મરામત માટે જરૂરી ગ્રાન્ટ ફાળવવાની પણ માંગ ઉઠાવતા ચેમ્બરના પ્રમુખ જયંતીભાઈ પટેલ મોરબી : મોરબીના જે તે સમયના મહારાજાએ પોતાના જૂના મહેલના તમામ મકાની દાનમાં આપીને ઐતિહાસિક વિરાસતના મહેલમાં પોતાની દીર્ઘદ્રષ્ટિથી 1951 ની સાલમાં એન્જિનિયરિંગ કોલેજનો અભ્યાસ ચાલુ કરાવેલ જે કોલેજ આજે સમગ્ર દેશની પ્રથમ દસ કોલેજ માટેની એક છે. આથી આ એલ.ઇ.કોલેજની ઐતિહાસિક ઇમારતને હેરીટેજ સાઇટમાં સમાવાની માંગ સાથે મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ કોલેજમાં લાખો વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી બનાવી છે. ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાંથી આવીને પોતાની કારકિર્દી બનાવે છે. તેમાંના કેટલાયે ગુજરાત સરકારમા તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્ર સરકારમાં ઉચ્ચ હોદાઓ પર પોતાની અમૂલ્ય સેવા કરે છે અને હજુ આ ક્રમ ચાલુ જ છે. આ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને વિદેશમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર આજે તેની સેવા પ્રદાન કરીને ગુજરાત રાજ્ય અને દેશની ગૌરવ અપાવી રહ્યા છે. કૉલેજનું આ પેલેસ લાકડાના સ્ટ્રકચરમાંથી વિદેશૌથી નિષ્ણાંતોને બોલાવીને તેઓના માર્ગદર્શન પ્રમાણે એક અનન્ય નજરાણા સમાન બનાવીને અભ્યાસક્રમ માટે ભેટ કરેલ છે. જે તત્કાલીન રાજવીની શિક્ષણ પ્રત્યેની દીર્ઘ દ્રષ્ટિ અને ઉચ્ચ ભાવનાનો જીવતો જાગતી નમૂનો ગણી શકાય. ત્યારે સમયાંતરે ક્ષતિગ્રસ્ત થયેલ છે જેની જાળવી થાય તે ખૂબજ અગત્યનું છે. સને 1955થી આ કોલેજમાં અભ્યાસ કરી ગયેલા દરેક એન્જિનિયર માટે પોતાનું આ વિસ્મરણીય સંભારણું છે જેઓનુ સંગઠન પોતાનાથી થતો ટેકનિકલ યોગ આપવા પણ તૈયાર છે. મોરબીને સૌરાષ્ટ્રનું પેરિશ ગણવામાં આવે છે. ઔદ્યોગિક શહેર તરીકે સારી નામના મેળવેલ છે. કામ અર્થે સમગ્ર ભારતમાંથી નાના મોટા વેપારીઓ, ઉધોગપતિઓની ખૂબજ અવરજવર રહે છે. આ ઉપરાંત મોરબીમાં અન્ય નજરાણા સમાન વિરાસતો જેવી કે મણીમંદિર, પાડાપુલ, મરિનડ્રાઈવ, ગુલતાલ વગેરે જોવાલાયક સ્થળો આવેલ છે. આથી મોરબી મુકામે આવેલ લખધીરજી એન્જીનિયરીગ કોલેજોના ઐતિહાસિક ધરોહર સમાન વિરાસતને હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવે અને તેની મરામત માટે જરૂરી ગ્રાન્ટ ફાળવવાની પણ માંગ કરી છે.