રોટરી કલબ ઓફ હળવદ દ્વારા લોકોની તૃષ્ણા છીપાવવા પરબ બંધાવાયું હળવદ : રોટરી કલબ ઓફ હળવદ દ્વારા દાતાઓના સહયોગથી મોટી બજારમાં લોકોની તૃષ્ણા છીપાવવા ઠંડા પાણીનું પરબ બાંધવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન કોરોના વોરિયર્સ એવા સફાઈ કર્મચારીના હસ્તે કરવામાં આવ્યું હતું. હળવદ શહેરમાં ધ્રાંગધ્રા દરવાજાથી લક્ષ્મીનારાયણના ચોક સુધી જૂની અને મોટી બજાર આવેલી છે. આ આખા મેઈન રોડ ઉપર ક્યાંય સ્થાયી અને યોગ્ય પાણી પરબ વ્યવસ્થા નહિ હોવાથી રોટરી કલબ દ્વારા દાતાઓના સહયોગથી પાકી ઓરડી સાથેનું પાણી પરબ બંધાવ્યું છે. જેનું ઉદઘાટન નગરપાલિકાના સફાઈ કર્મચારી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યુ હતું. લોકોની ખુબ અવરજવર અને ભીડભાળવાળી દરબાર નાકાના ખૂણા ઉપરની જગ્યાએ રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા બનાવેલ સુંદર, કલાત્મક અને બધી સુવિધાથી સભર ઠંડા તેમજ શુદ્ધ પાણીના પરબ થકી લોકો બારેમાસ પ્યાસ બુઝાવી શકે એવા હેતુથી પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પરબની સફાઈ, જાળવણી અને દેખરેખની જવાબદારી દરબાર નાકાં વિસ્તારના યુવાનોએ તેમજ આજુબાજુની દુકાનોવાળાએ ઉપાડી છે. આ પ્રોજેક્ટનું ડોનેશન સ્વ. મુળજીભાઈ રૂગનાથભાઈ પિત્રોડા મૂળગામ ટીકર (રણ) ના સુપુત્રી સ્વ. જયાબેન અમૃતલાલ સંધાડિયાના સ્મરણાર્થે તેમના ભાભી મધુબેન માણેકલાલ પિત્રોડા શિકાગો (અમેરિકા) તરફથી આપવામાં આવ્યું હતું.