નીઓ રાજકોટ ફાઉન્ડેશનના સહકારથી પ્રોજેક્ટની અમલવારી શક્ય બની મોરબી : મોરબી તાલુકાની ઊંચી માંડલ પ્રાથમિક શાળામાં સીમ્પોલો વિટ્રીફાઇડ પ્રા.લિ.અને નેક્શન સરફેસ પ્રા.લી. કંપનીઓના સહયોગથી અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ લેબનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સિમ્બોલો ફાઉન્ડેશન દ્વારા હાલમાં અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ત્યારે તેઓ હવે શૈક્ષણિક ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપવાની નેમ સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે મોરબી તાલુકાની ઉંચી માંડલ પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 240 વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક લેબ શરૂ કરશે. જેમાં બાળકોને ટેકનોલોજીની મદદથી ગણિત, ગુજરાતી અને અંગ્રેજી વિષયનો અભ્યાસ કરાવવામાં આવશે. આ શાળાના બાળકો લેબમાં આવીને પોતાનું ભણતર આગળ વધારી શકશે. આ લેબને જરૂરી કોમ્પ્યુટર હેડફોન અને સીસીટીવીથી સજ્જ બનાવી બાળકોને વિષયનું જ્ઞાન ખૂબ જ સરળતાથી મેળવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ આધુનિક લેબમાં બાળકો જે સોફ્ટવેર પર અભ્યાસ કરવાના છે તે પ્રાઇવેટ શાળાઓમાં હજારો રૂપિયા ખર્ચીને તેનું લાઇસન્સ લેવાતું હોય છે પરંતુ સિમ્પોલો ફાઉન્ડેશન આ લાઇસન્સ ખરીદી અને સરકારી શાળાના બાળકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવેલ છે. આ પ્રોજેક્ટ રાજકોટ સ્થિત પ્રતિષ્ઠિત નિઓ રાજકોટ ફાઉન્ડેશનની મદદથી અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં લેબની જાળવણી અને બાળકો સારી રીતે લેબનો ઉપયોગ કરી શકે તે હેતુથી એક શિક્ષકની પણ નિમણૂક કરવામાં આવી છે. જે શાળાના સમયમાં હાજર રહીને બાળકોને મદદ કરશે.