નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી કરાયું લોકાર્પણ: મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં ખેલાડીઓ માટે ખુલ્લા મુકાયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમોરબીની ન્યૂ એરા સ્કૂલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વર્ચ્યુઅલ અધ્યક્ષસ્થાને તથા શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા કક્ષાના રૂ. 22.1 કરોડના ખર્ચે નિર્મિત રમતગમત સંકુલ તથા હળવદ તાલુકા કક્ષાના રૂ. 9.6 કરોડના ખર્ચે નિર્મિત રમતગમત સંકુલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના “શક્તિદૂત-2.0” કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને આર્થિક સહાય, વૈજ્ઞાનિક તાલીમ અને આધુનિક રમતગમતના મેદાનો જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. મોરબીમાં બનેલા આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કારણે જિલ્લાના રમતવીરોને ઘરઆંગણે જ ઉત્તમ સુવિધાઓ મળશે અને તેઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરશે. કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જમીન ફાળવવા બદલ તેમણે વિશેષ પ્રશંસા વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમાં મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણીએ રાજ્ય સરકારની વિવિધ રમતગમત યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમજ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે સરકાર દરેક જિલ્લા અને તાલુકા મથકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરી રહી છે, જેથી ખેલાડીઓને તાલીમ માટે બહાર ન જવું પડે.મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેડમિન્ટન, 10 મીટર શૂટિંગ રેન્જ, જિમ્નેશિયમ, ટેબલ ટેનિસ, ઇન્ડોર બાસ્કેટબોલ, 200 મીટર સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, વોલીબોલ, સિન્થેટિક ટેનિસ કોર્ટ, સિન્થેટિક બાસ્કેટબોલ, હોકી અને આર્ચરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે હળવદ ખાતે બેડમિન્ટન, 10 મીટર શૂટિંગ રેન્જ, ટેબલ ટેનિસ, એથ્લેટિક ટ્રેક, વોલીબોલ, કબડ્ડી અને ખો-ખો જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.આ લોકાર્પણ સમારોહમાં ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, અગ્રણી જયંતિભાઈ રાજકોટિયા, ટ્રસ્ટી અતુલભાઈ પાડલીયા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, મ્યુનિસિપલ કમિશનર સંગીતાબેન રૈયાણી, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, રમતગમત અધિકારી રવિકુમાર ચૌહાણ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #SportsComplex #Halvad #HarshSanghavi #KantibhaiAmrutiya #SportsInfrastructure #MorbiNews #GujaratNews