દેવાસ જિલ્લાના હાટ પીપળીયા ખાતે આવેલ સંસ્થામાં અત્યારે 1850 બાળકો કરી રહ્યા છે અભ્યાસ, હવે અહીંના વિદ્યાર્થીઓને કોલેજ માટે દૂર નહિ જવું પડેમોરબી : મોરબીના સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઇ વરમોરાના હસ્તે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં આવેલ હાટ પીપળીયામાં માલવા પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થામાં કોલેજ ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. જેથી હવે અહીંના વિદ્યાર્થીઓને કોલેજના અભ્યાસ માટે દૂર નહિ જવું પડે.મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના હાટ પીપળીયા ગામે માલવા પાટીદાર સમાજ છાત્રાવાસ ન્યાસ મંડળ નામની શૈક્ષણિક સંસ્થા કાર્યરત છે. જ્યાં માધ્યમિક શાળા સુધીનો અભ્યાસ ઉપલબ્ધ છે. હાલ અહીં 1850 બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. ગત તા.4ના રોજ અહીં કોલેજ ભવનનું મોરબીના સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેઓએ આ કોલેજ ભવનના નિર્માણ માટે રૂ.5 લાખનું અનુદાન પણ આપ્યું છે. આ સમારોહમાં અંદાજે 5 હજાર જેટલા લોકોની ઉપસ્થિતિ રહી હતી.જુના પ્રસંગો વાગોળતા ગોવિંદભાઇ વરમોરાએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં કડવા પટેલ સમાજ મોટી સંખ્યામાં વસે છે. પણ અહીંના અનેક વિસ્તારો શૈક્ષણિક રીતે પછાત હતા. ત્યારે ઊંઝા મંદિરના પ્રમુખ કેશવજીબાપા સહિતના આગેવાનો અને ઓ.આર.પટેલે અહીંના પ્રવાસ કરી લોકોને જાગૃત કર્યા હતા કે શિક્ષણ ખૂબ જરૂરી છે. તેઓના પ્રયાસોથી આજે મધ્યપ્રદેશમાં અનેક જગ્યાએ પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થાઓ બની છે. આજે આ વિસ્તારો શિક્ષણ ક્ષેત્રે ઘણા આગળ આવી ગયા છે. આમ અહીં શિક્ષણની જ્યોત આગળ વધી છે.