ટંકારા : જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- મોરબી અને રાજકોટ આયોજિત, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મોરબી તથા જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી માર્ગદર્શિત, શાળા વિકાસ સંકુલ- ટંકારા તેમજ બીઆરસી ભવન ટંકારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું તારીખ 12 થી 14 ડિસેમ્બર સુધી ટંકારાની લાઈફ લિંક્સ વિદ્યાલય (પ્રેરણા શૈક્ષણિક સંકુલ) ખાતે આયોજન કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિતમાં સર્જનાત્મકતા લાવવા તેમજ નવા આવિષ્કારને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ પ્રેરિત મોરબી જિલ્લા કક્ષાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરાયું છે. જેમાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી છે. 12 ડિસેમ્બરના રોજ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદઘાટન કરાયું હતું. જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ. મોતા ઉપસ્થિત રહ્યા હતા. આજે 13 ડિસેમ્બરના રોજ પ્રદર્શન અને નિદર્શન સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. સાંજે 5 કલાકે ચાલો વિજ્ઞાન જાણીએ કાર્યક્રમ યોજાશે અને 14 ડિસેમ્બરના રોજ બપોરે 2-30 કલાકે સમાપન થશે. સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર છે.આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખોરાક, આરોગ્ય અને સફાઈ, પરિવહન અને સંચાર, પ્રાકૃતિક ખેતી, ગાણિતિક નમૂના અને ગણનાત્મક ચિંતન, આપત્તિ વ્યવસ્થાપન, કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન સહિતના વિભાગોમાં કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનને મોટી સંખ્યામાં લોકો નિહાળી રહ્યા છે. આ પ્રદર્શનને નિહાળવા લાઈફ લિંક્સ વિદ્યાલય અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સમિતિ- મોરબી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.