કેન્દ્રમાં સરકારી યોજનાઓનું માર્ગદર્શન આપવાથી લઈ ફોર્મ ભરવા સુધીની કામગીરી થશે : શુભારંભ સમારોહમાં દાતાઓ અને 'પાટીદાર કેરિયર એકેડમી'ના સફળ તાલીમાર્થીઓનું સન્માન કરાયું મોરબી : મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા પાટીદાર જન સેવા કેન્દ્રનો શુભારંભ થયો છે. આ કેન્દ્ર પાટીદાર સમાજના લોકોને વિવિધ સરકારી યોજનાઓ અને પ્રમાણપત્રો મેળવવામાં મદદ કરશે. શુભારંભ સમારોહમાં દાતાઓ અને 'પાટીદાર કેરિયર એકેડમી'ના સફળ તાલીમાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ અનેક શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે. જેમાં શાળા અને કોલેજ, કોમ્પ્યુટર કોર્સ, ઉમા સંસ્કાર ધામ અને 'પાટીદાર કેરિયર એકેડમી'નો સમાવેશ થાય છે. તેમજ ઉમા સંસ્કાર ધામમાં 250 જેટલા ઉમા આદર્શ લગ્ન તેમજ જાજરમાન લગ્ન માટેના બે મોટા હોલ તેમજ અતિથિ આવાસ વગેરેનું નિર્માણ અને પાટીદાર કેરિયર એકેડમી ચલાવવામાં આવે છે. આ નવા જન સેવા કેન્દ્રનો મુખ્ય હેતુ સમાજના લોકોને સેવાઓ પૂરી પાડવાનો છે. જેમાં પ્રમાણપત્રો જેવા કે EWS, જાતિ, અને આવકના પ્રમાણપત્રો કઢાવવામાં સહાય કરાશે તેમજ યોજનાકીય લાભો જેવા કે આયુષ્યમાન કાર્ડ, વ્હાલી દીકરી યોજના, વિધવા સહાય, વૃદ્ધ સહાય, મહિલા સ્વાવલંબન યોજના, અને રેશનકાર્ડને લગતી કામગીરીમાં મદદ કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 12 પછીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને બિન અનામત આયોગની યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. આ શુભારંભ સમારોહમાં, 'પાટીદાર કેરિયર એકેડમી'ના તાલીમાર્થીઓને ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાજેતરમાં GPSC પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવનાર 23 યુવાનોને સરદાર પટેલની પ્રતિકૃતિ આપીને સન્માનિત કરાયા હતા. આ સાથે ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ક્લાસ પૂરા કરનાર 135 અને બ્યુટી પાર્લર ટ્રેનિંગ પૂરી કરનાર 55 બહેનોને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા, જેઓ હવે પગભર બન્યા છે.આ ઉપરાંત, ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ચોથા બેચમાં 135 અને કોમ્પ્યુટર ક્લાસના ચોથા બેચમાં 75 વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને આવકારવામાં આવ્યા હતા. આ સમારોહમાં સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી, તેજબા બાનુગરીયા, મનોજભાઈ પનારા, ડો. મનુભાઈ કૈલા, સંસ્થાના ચેરમેન એ.કે. પટેલ, અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબીના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંડળની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર, ચેરમેન એ.કે. પટેલ, પરેશભાઈ મોરડિયા, અરુણભાઈ, શીતલબેન, રશ્મિબેન વીરમગામા, અને તમામ ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. વરસાદ હોવા છતાં, મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.