તમામ દવાઓ નહીં નફો નહીં નુકસાનના દરે આપવામાં આવશે, 50 ટકા રાહતભાવે રિપોર્ટ કરી અપાશેમોરબી : મોરબીમાં લોકોની જઠરાગ્નિ ઠારવાનું કાર્ય કરતા ફ્રી ટિફિન સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા હવે દર્દીઓને દવા એકદમ સસ્તા ભાવે મળી રહે તે માટે ડો. કુસુમબેન અમૃતલાલ દોશી મેડિકલ સ્ટોર અને લેબોરેટરીનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. મોરબીના રામચોક ખાતે સિલ્વર પ્લાઝામાં આજે તારીખ 8 નવેમ્બર ને શનિવારથી આ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ સ્ટોરમાંથી દરેક ડોક્ટરની પ્રિસ્કિપ્શન મુજબની દરેક દવાઓ પડતર ભાવે આપવામાં આવશે. તેમજ લેબોરેટરીમાં 50 ટકાના દરે તમામ રિપોર્ટ કરી આપવામાં આવશે.આજ રોજ યોજાયેલા ઉદઘાટન પ્રસંગે નકલંકધામ બગથળાના મહંત દામજી ભગત, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના મહેમાનોના હસ્તે દિપપ્રાગટ્ય કરી રિબિન કાપીને મેડિકલ સ્ટોર અને લેબોરેટરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, લોકોને દવા પાછળ ખૂબ જ ખર્ચ થતો હોય છે ત્યારે આ ડો. કુસુમબેન અમૃતલાલ દોશી મેડિકલ સ્ટોર પરથી નહીં નફો નહીં નુકસાનના દરે લોકોને દવાઓ મળી રહેશે. આ સેવા બદલ મેડિકલ સ્ટોરના તમામ આયોજકો અને દાતાઓને અભિનંદન પાઠવું છું. લોકો પણ ખૂબ જ આ સેવાનો લાભ લે તેવી અપીલ કરું છું.આયોજક દ્વારા જણાવાયું હતું કે, મોરબી ખાતે આજે દામજી ભગત, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જયંતીભાઈ રાજકોટીયા, બ્રિજેશભાઈ મેરજા સહિતનાઓના હસ્તે મેડિકલ સ્ટોર અને લેબોરેટરીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. હિરેનભાઈ દોશી આ કાર્યના મુખ્ય દાતા છે. આ મેડિકલ સ્ટોર પરથી પડતર ભાવે દવાઓ આપવામાં આવશે અને લેબોરેટરીમાં 50 ટકાના દરે રિપોર્ટ કરી આપવામાં આવશે.