વિકાસ સપ્તાહના અંતિમ દિવસે યોજાયો કાર્યક્રમ : સાંસદો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુંમોરબી : મોરબીના શનાળામાં પટેલ સમાજ વાડી ખાતે આજે વિકાસ સપ્તાહના છેલ્લા દિવસે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રૂ.16.66 કરોડના ખર્ચે 184 કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થયું હતું. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના રૂ.૩૯.૪૦ લાખના ૧૮ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૮૫.૪૦ લાખના ૩૯ કામોનું લોકાર્પણ, મોરબી મહાનગરપાલિકાના રૂ.૪૯૮.૫૦ લાખના ૧૯ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૪૦ લાખના ૩ કામોનું લોકાર્પણ, આરોગ્ય વિભાગના રૂ.૧૪૩ લાખના ૪ કામોનું લોકાર્પણ, તાલુકા પંચાયતોના રૂ.૧૬૪.૮૦ લાખના ૪૭ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૪૬.૬૦ લાખના ૪૪ કામોનું લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના રૂ.૧૧૦ લાખના બે કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૬૦ લાખના ૧ કામનું લોકાર્પણ તેમજ શિક્ષણ વિભાગના રૂ.૧૩૧ લાખના કામનું ૨ લોકાર્પણ તથા અન્ય કામ મળી કુલ ૧૧૬૬.૭૦ લાખના ૧૮૪ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કામોમાં શાળાઓ, રોડ રસ્તાઓ, પેવર બ્લોક, ભૂગર્ભ ગટરના કામ, કમ્પાઉન્ડ વોલના કામ, સ્મશાનના કામ, કોઝવે, પ્રોટેક્શન વોલ, વાળા બનાવવાનું કામ, વેટરનરી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, સેગ્રીગેશન શેડ, સામૂહિક કમ્પોસ્ટ પીટ સહિતના વિકાસ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, સરકારે યુવા, ગરીબ, મહિલા અને ખેડૂતોના ઉત્થાન પર ભાર મૂકી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. યુવાઓને રોજગારી પૂરી પાડવા તથા તેમના કૌશલ્ય સર્જન માટે, મહિલાઓની સુરક્ષા અને તેમને પગભર બનાવી તેમના આર્થિક ઉત્થાન માટે, ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ તથા અનેક સાધન સહાય જેવી યોજનાઓ થકી તેમની આવક બમણી કરવા તેમજ ગરીબ અને વંચિતોને અનેક જન સુખાકારીની યોજનાઓનો લાભ આપી તમને મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં સરકાર સફળ બની છે. અધુરુ ભણતર છોડી દેતા બાળકો અને ખાસ કરીને દીકરીઓને શિક્ષિત કરવામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રેવશોત્સવે મહત્વની ભૂમિકા ભજવી છે.આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે આરોગ્ય, શિક્ષણ, રોજગારી, વીજળી તેમજ ખેતી ક્ષેત્રના વિકાસ સાથે ગામડાઓ ધબકતા થયા છે. તમામ ક્ષેત્રે માળખાકીય સુધારાઓ સાથે વિકાસની ગતિને વેગ મળ્યો છે અને છેલ્લા અઢી દાયકામાં ગુજરાત રાજ્ય તથા ૧૧ વર્ષમાં દેશની કાયાપલટ થઈ છે. આયુષ્માન કાર્ડની યોજના થકી આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી પરિણામો મળ્યા છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આજે વિકાસની વિભાવના બદલાઈ છે, શિક્ષણ, આરોગ્ય તથા શહેરી વિકાસ ક્ષેત્રે આદર્શ રોડ મેપ થકી અનેક વિકાસ પ્રકલ્પો નિર્માણ પામ્યા છે અને પામી રહ્યા છે. સરકાર દ્વારા જીએસટીના સ્લેબના ઘટાડો કરવામાં આવ્યો છે જેના લાભ આજે નાના ખેડૂતથી લઈને મોટા ઉદ્યોગપતિઓને મળી રહ્યાં છે. વધુમાં તેમણે સૌને સ્વદેશી વસ્તુ અપનાવીને દેશને આત્મનિર્ભર બનાવવામાં સહભાગી બનવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા સર્વે ઉપસ્થિતોએ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ વેળાએ સાંસદ વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી સાહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અધિકારીઓમાં કલેકટર કે.બી.ઝવેરી, મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ડીડીઓ ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં માત્ર પદાધિકારીઓ, આગેવાનો અને સરકારી કર્મચારી જ જોવા મળ્યા હતા. સામાન્ય નાગરિકોની સંખ્યા જૂજ જ હતી.