તાલુકા પોલીસે ચૂંટણી પહેલા જ સપાટો બોલાવી વાડીમાં છુપાવેલો દારૂ કબ્જે કર્યો વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ચૂંટણી પહેલા સપાટો બોલાવીને ઈંગ્લીશ દારૂની બદીને નાબૂદ કરવાના સફળતા મેળવી છે. જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના કોઠી ગામની સીમમાં આવેલ વાડીના મકાનમાં દરોડો પાડીને રૂ. 3.10 લાખની કિંમતની 828 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે કુલ રૂ. 3.14 લાખનો મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાએ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી ઉપર અંકુશ લાવીને દારૂની પ્રવૃત્તિઓ સંદતર બંધ કરવાની સૂચના આપતા ડીવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઇ આર.પી.જાડેજા તેમજ સર્વલેન્સ ટીમના શિવરાજસિંહ વાળાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આજે વાંકાનેર તાલુકાના કોઠી ગામની સીમ મચ્છુ નદીના કાંઠે ગેલડીના વોકળા પાસે આવેલ આરોપી ગોરધનભાઈ કરશનભાઈ પલાળીયાની વાડીના મકાનમાં ત્રાટકી હતી. પોલીસે આ મકાનની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની જુદીજુદી બ્રાન્ડની રૂ.3,10,500 ની કિંમતની 828 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આથી, પોલીસે વિદેશી દારૂ તથા અન્ય મુદામાલ મળીને કુલ રૂ. 3,14,000 સાથે આરોપી ગોરધનભાઈ કરશનભાઈ પલાળીયાને ઝડપી લીધો હતો. આ દારૂની હેરાફેરીમાં બીજા આરોપી જયંતીભાઈ પોલાભાઈ કોળી (રહે ખડગુંદા, ચોટીલા)નું નામ ખુલતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.