વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીના મહાકાળી મહિલા મંડળ દ્વારા સત્સંગ હોલ ખાતે પરસોતમ માસ દરમ્યાન કાઠા ગોર બનાવી નિયમિત ગોપીઓ દ્વારા આસ્થાભેર ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવ્યા બાદ આજે અમાસ એટલે કે અધિક માસના અંતિમ દિવસે વિવિધ સાત ધાનનું મંડળ ભરવામાં આવેલ સાથે જ સોસાયટીના ભૂદેવોને ભોજન કરાવ્યું હતું. મહાકાળી મહિલા મંડળ દ્વારા દર વર્ષે એક પારાયણનું ધાર્મિક આયોજન કરવામાં આવે છે તેમજ વર્ષ દરમ્યાન આવતા તમામ ધાર્મિક તહેવારોની આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે. નાતજાતના ભેદભાવ વગર તમામ હિન્દુ સમાજના મહિલાઓ દ્વારા મંડળની સ્થાપના કરવામાં આવી છે હાલમાં ૧૨૫ થી વધુ મહિલાઓ સાથેના આ મંડળ દ્વારા સોસાયટીમાં વિશાળ સત્સંગ હોલની સ્થાપના કરવામાં આવી છે જ્યાં રોજ સાંજે ધૂન ભજન સંધ્યા કરવામાં આવે છે. આજે અધિક માસના અંતિમ દિવસે મહિલા મંડળ દ્વારા સાત ધાનનું મંડળ પૂર્વની સાથે જાતે જ મોહનથાળ, ભજીયા, પૂરી, શાક, દાળ- ભાત સહિત ફૂલ ડીશ સાથે ભૂદેવોને ભોજન કરાવી દક્ષિણા આપી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.