લોખંડના પાઇપ અને મોટર સાયકલનું કેરિયર ફટકારી હાથ પગ ભાંગી નંખાયા વાંકાનેર : વાંકાનેર પુલ દરવાજા નજીક જુના ઝઘડાના ખારમાં યુવાન ઉપર લોખંડનો પાઇપ અને મોટર સાયકલના કેરિયરથી હીંચકારો હુમલો કરી બે શખ્સોએ યુવાનના હાથ પગ ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર પુલ દરવાજા નજીક વાંકાનેર સિપાઈ શેરીમાં રહેતા હસનભાઇ ઈશાભાઇ જીંદાણી સાથે ઝઘડો કરી આરોપી ઘનશ્યામ ઉર્ફે ઘનો મોનાભાઇ ભરવાડ તથા અનીલ બુટાભાઇ લામકાએ લોખંડના પાઇપ અને મોટર સાયકલના કેરિયર વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેક્ચર કરી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વધુમાં ફરિયાદી હસનભાઇ ઈશાભાઇ જીંદાણીને ચાર વર્ષ અગાઉ આરોપીના કૌટુંબિક ભાઈ રણછોડભાઇ ભરવાડ સાથે ઝઘડો થયેલ તેનો ખાર રાખી બન્ને આરોપીઓ ઝઘડો કરી ઇજા પહોંચાડયાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ મામલે વાંકાનેર સિટી પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.