આરોગ્યનગર વિસ્તારમાં ગતરાત્રે બનેલી ઘટનામાં યુવાન ગંભીર હાલતમાં રાજકોટ સારવારમાં વાંકાનેર : વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં યુવક અને યુવતી ગઈકાલે રાત્રીના સમયે ઝેરી દવા ગટગટાવી લેતા વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવારમાં રાજકોટ લઈ જતી વેળાએ યુવતીએ દમ તોડી દીધો હતો જયારે યુવાનને હાલ રાજકોટ સિવિલમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો છે અને તેની હાલત પણ ગંભીર ગણાવાઈ રહી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા દેવરાજ જયંતીભાઈ માનસુરીયા ઉ.20 અને રીટાબેન રાજુભાઈ અંબાસણીયા ઉ.20 નામની યુવતીએ સજોડે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે પ્રથમ વાંકાનેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બન્નેની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડવમાં આવતા રસ્તામાં જ રીટાબેન રાજુભાઈ અંબાસણીયાએ દમ તોડી દીધો હતો. વધુમાં ઝેરી દવા ગટગટાવી લેનાર દેવરાજ જયંતીભાઈ માનસુરીયાને હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો છે અને હાલ તેની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળે છે. ઘટના અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.