વિકાસ વિદ્યાલયના સંચાલકોએ અનાથ દીકરીને પોતાની દીકરીની જેમ જ લાડકોડથી ઉછેરી તેજસ્વી અને ગુણવાન યુવાન સાથે પરણાવીને ભારે હૈયે સાસરે વળાવી મોરબી : મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલયના સંચાલકોએ માત્ર 3 વર્ષની ઉંમરે મળી આવેલી અનાથ દીકરીને પોતાની પુત્રીની જેમ લાડકોડથી ઉછેરી તેના દરેક સ્વપ્ન પુરા કરી ભણાવી ગણાવીને તેનું ભવિષ્ય સુનિશ્ચિત બનાવવા આજે તેજસ્વી અને ગુણવાન યુવાન સાથે આ દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. એટલું નહિ આ દીકરીને માવતરની જરાય કમી મહેસૂસ ન થાય એ માટે આ આખી સંસ્થા વિકાસ વિધાલય તેનો પરિવાર બનીને યાદગાર રીતે આ લગ્ન પ્રસંગ ઉજવ્યો હતો અને દાતાના સહયોગથી અઢકળ ભેટ સોગાદ આપીને દીપાલીને ભારે હૈયે સાસરે વળાવી હતી. લજાઈ પાસેથી 3 વર્ષની ઉંમરે નિરાધાર હાલતમાં દીપાલી નામની દીકરી પોલીસને મળી આવ્યા બાદ તેના ઉછેર માટે પોલીસે મોરબીના વિકાસ વિદ્યાલયને સોંપી હતી. ત્યારથી જ વિકાસ વિધાલયના મેનેજર ભરતભાઇ નિમાવત અને તેમની ટીમે આ અનાથ દીકરીને પોતાની દીકરીની જેમ જ લાડકોડથી ઉછેરી તેના માવતર બનીને આ દીકરીના દરેક સ્વપ્ન પુરા કર્યા અને સારા સંસ્કારોનું પણ સિંચન કરી તેમજ સારું શિક્ષણ અપાવીને આ દીકરીને શિક્ષિત બનાવની સાથે સમાજમાં મોભાદાર સ્થાન મળે તેવી રીતે ચારિત્ર્યનું ઘડતર કર્યું છે. હાલ દીપાલી 19 વર્ષની વયે ધો 12 સુધી અભ્યાસ કરી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. દીપાલીની ઉંમર પરણવા લાયક થતા વિકાસ વિધાલય, સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા આ અનાથ દીકરીના લગ્ન સારા અને ગુણવાન પરિવારમાં તેમજ શિક્ષિત અને ચારિત્ર્યવાન યુવાન સાથે કરવા માટે અથાક પ્રયાસોના અંતે મહેન્દ્રનગર નિવાસી અને સમાજમાં મોભાદાર સ્થાન ધરાવતો પરિવારનો એન્જિનિયર પુત્ર ધવલકુમાર રમેશભાઈ કાલરીયા સાથે દીપાલીના લગ્ન કરવાનું નક્કી કરી આજે રીત રિવાજ મુજબ તમામ વિધિ વિધાન સાથે દીકરીનું કન્યાદાન કર્યું હતું. દરમિયાન આજે વિકાસ વિધાલયની આ વ્હાલી દીકરીના લગ્નની શુભ ઘડી આવતા તેની સાથે રહેતી અન્ય દીકરીઓ બહેનો જેમ અને આખા વિકાસ વિધાલયના સમગ્ર સ્ટાફે આ દીકરીના પરિવારની જેમ જ લગ્નની તમામ જવાબદારી નિભાવી હતી અને વિકાસ વિધાલયમાં જ સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં દીપાલીના લગ્ન એન્જિનિયર યુવાન ધવલકુમાર રમેશભાઈ કાલરીયા સાથે ભવ્ય અને ઠાઠમાઠથી કરાવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, ભાજપ અગ્રણી રાઘવજીભાઈ ગડારા, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રાજેશભાઇ બદ્રકિયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને આ દીકરીને સુખમય દામ્પત્યજીવનના આશીર્વાદ આપ્યા હતા અને દાતાના સહયોગથી સોના ચાંદીની વસ્તુઓ સહિતની કિંમતી ભેટ સોગાદ કરીયાવર રૂપે આપવામાં આવી હતી. આ તકે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રાજેશભાઇ બદ્રખિયા અને વિકાસ વિધાલયના મેનેજર ભરતભાઇ નિમાવતે જણાવ્યું હતું કે અમે કોઈપણ દીકરીને અનાથ માનતા જ નથી. તેવી રીતે આ ત્રણ વર્ષની ઉંમરે આવેલી દીપાલીની કયારેય અમે માવતરની કમી મહેસુસ થવા દીધી જ નથી. પોતાની પુત્રીની જેમ જ આ દીકરી ઉછેરી, ભણાવી ગણાવી અને સારા પાત્ર સાથે લગ્ન કરાવીને એક પિતા જેવી ફરજ બજાવી હોવાની લાગણી અનુભવીએ છીએ. જ્યારે દીપાલી કહ્યું હતું કે, હું અનાથ છું એવો મને ક્યારેય અહેસાસ જ થયો નથી. આ વિકાસ વિધાલય મારો પરિવાર જ હોય એમ મારા દરેક સ્વપ્ન સાકાર થયા છે. આજે પરણીને વિદાય લેતી વખતે વિકાસ વિધાલયમાંથી નહિ પણ ખૂબ જ સ્નેહી પિતાના ઘરેથી વિદાય લેતી હોઉં એવી અનુભૂતિ કરું છું તેમ કહેતા આ દીકરીના આંખમાં ઝળઝળીયા આવી ગયા હતા. આ દીકરીની વિદાય વખતે વિકાસ વિધાલયના સંચાલકોની પિતા જેવી આત્મીયતા તેમજ તેની સાથે રહેતી સખીઓ સહિત દરેકના આંખમાં આસું આવી જતા ભારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.