રૂપિયા 90 હજારના દાગીના ચોરી જનાર તસ્કરો બે મકાનને નિશાન બનાવી ગયા હળવદ : હળવદ શહેરના બસસ્ટેન્ડ પાછળ આવેલ વડનગર વિસ્તારમાં નિશાચરોએ એક સાથે બે મકાનને નિશાન બનાવી એક રહેણાંકમાં ઘરધણીને સુતા રાખી 90 હજારની કિંમતના દાગીનાની સિફત પૂર્વક ચોરી કરી નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરના વડનગરના રહેતા વિપુલભાઈ ઉર્ફે મુન્નો પ્રભુભાઈ સાવધરીયા નામના રબારી યુવાનના ઘરમાં તસ્કરોએ બારી વાટે પ્રવેશ કરી ઘરમાં રહેલી તિજોરીમાંથી સોનાનું લેડીઝ કડું, સોનાનો ચેન તેમજ બે જોડી સોનાના કોકરવા મળી કુલ રૂપિયા 90 હજારની કિંમતના દાગીના ચોરી કરી ગયા હતા. વધુમાં વિપુલભાઈ અને તેમનો પરિવાર ઘરમાં તેમજ ફળિયામાં સુતા હોવા છતાં તસ્કરોએ બાજુના રૂમની બારી તોડી ચોરીને અંજામ આપવાની સાથે વિપુલભાઈની બાજુમાં રહેતા મોંઘીબેન નામના મહિલાના ઘરના નકુચા પણ તોડી નાખી ચોરી કરવા ઘુસ્યા હોવાનું જાણવા મળ્યું છે.