મોરબી : પાકિસ્તાન સાથે યુદ્ધની આહટને પગલે મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા હાલ મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા છે. તેઓએ ઉચ્ચ અધિકારીઓ સાથે દુશ્મન દેશના હુમલા કે યુદ્ધ સમયે સિવિલ ડિફેન્સની ૧૨ સેવાઓની સક્રિયતા અને સાધનોની સુનિશ્ચિતતા તથા જિલ્લામાં ચાલી રહેલ વિવિધ અભિયાન, વિકાસકામો અને યોજનાઓના અમલીકરણ અને સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ સાથે તેઓએ નવકખી બંદરની પણ મુલાકાત યોજી ત્યાં ચકાસણી કરી હતી. આ વેળાએ જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.