સ્ટેટ મોનીટરીંગ સેલે વર્ષ 2024-25માં રાજ્યમાં કુલ 22.52 કરોડનો દારૂ પકડયો મોરબી : સીરામીક નગરી મોરબીમાં દારૂ અને જુગારનું દુષણ ડામવા માટે સ્થાનિક પોલીસ સતત કામગીરી કરતું હોવા છતાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વીતેલા વર્ષ દરમિયાન કુલ સાત દરોડા પાડી 2 ક્વોલિટી કેસ કરી જિલ્લામાંથી કુલ મળી 1.63 કરોડનો દારૂ પકડી પાડયો હતો.રાજ્યના ગૃહ વિભાગે વિશાળ સતાઓ સાથે સ્ટેટ મોનીટરીંગ સેલની રચના કરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા વીતેલા વર્ષમાં સમગ્ર રાજ્યમાં કુલ મળી દારૂની 455 રેઇડ કરી હતી જેમાં મોરબી જિલ્લામાં 7 દરોડામાં બે ક્વોલિટી કેસ કરી સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાવી દઈ કુલ રૂપિયા 1,63,17,579નો દારૂ તેમજ 2,50,19,419નો મુદામાલ કબ્જે કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને મોરબીના જ વતની એવા ડીવાયએસપી કે.ટી.કામરિયા તાજેતરમાં જ મોરબી આવી ચકચારી હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પ્રકરણમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને ગયા બાદ કરોડોના કોલસા કૌભાંડને ઝડપી લીધું હતું, આમ વીતેલા વર્ષમાં સ્ટેટ મોનીટરીંગ સેલે મોરબી જિલ્લામાં ડીઝલ ચોરીથી લઈ દારૂ પકડવાની કામગીરીમાં સપાટો બોલાવી દીધો હતો.