મોરબીમાં જુના ઝઘડાનો ખાર રાખી ઉત્તરપ્રદેશના શ્રમિકો વચ્ચે મારામારી મોરબી : મોરબીમાં કલરકામનો ધંધો કરતા ઉત્તરપ્રદેશના શ્રમિકો વચ્ચે વાળ ખેંચવા જેવી નજીવી બાબતે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી લોખંડના સળિયા અને છરી વડે હુમલો કરાતા આ ઝઘડામાં નિર્દોષ યુવાનને હેમરેજ થઈ જતા હાલ બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશ અને હાલમાં મોરબી ખત્રીવાડ વિસ્તારમાં રહી કલરકામનો ધંધો કરતા મોહીતકુમાર ઉદયભાન સેગલ એક મહિના અગાઉ પોતાના વતનમાં જવા એસટી બસમાં અમદાવાદ જતો હતો ત્યારે તેની સાથે ઉત્તરપ્રદેશનો વતની અને હાલમાં મોરબીના વાવડી રોડ,સોમૈયા સોસાયટીમાં રહેતો દેવેન્દ્રસિંગ ઉર્ફે બીંદુ સાથે મુસાફરી કરતો હતો. આ સમયે કોઈએ દેવેન્દ્રસિંગના કોઈએ વાળ ખેંચતા તેને મોહિત સાથે બસમાં ઝઘડો કરી મારા વાળ કેમ ખેંચ્યા કહી બસમાંથી નીચે ફેંકી દેવા ધમકી આપી હતી. બીજી તરફ ઉત્તરપ્રદેશ વતનમાં 10 દિવસ રોકાઈ પરત મોરબી આવેલા મોહિત અને દેવેન્દ્રસિંગ મોરબીના દરબારગઢ નજીક સામસામે મળતા મોહિતે દેવેન્દ્રને કહ્યું હતું કે તે દિવસે બસમાથી નીચે ફેકવાનું કહેતો હતો તો આજે મને હાથ લગાવી બતાવ એમ કહી ઝઘડો થયો હતો. જો કે બાદમાં બન્ને છુટ્ટા પડી ગયા હતા. દરમિયાન ગઈકાલે મોહિત અને તેના કાકા ઉદયપ્રકાશ નાગડાવાસ ગામેથી કલરકામ કરીને પરત મોરબી આવતા હતા ત્યારે મોરબીના બાયપાસ રોડ ઉપર ધરમપુર ગામના પાટીયા પાસે આરોપી દેવેન્દ્રસિંગ, આનંદશીંગ સેગલ અને બીપીન ઉર્ફે બીપી સેગલે ફરિયાદીના બાઇકને આંતરી ઝઘડો કર્યો હતો જેમાં મોહિત છટકી ગયો હતો અને આરોપીઓએ મોહિતના કાકાના માથામાં લોખંડનો સળિયો ફટકારી છરી વડે હુમલો કરતા હાલ ઉદયપ્રકાશ સેગલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હેમરેજ થતા હજુ પણ બેભાન હાલતમાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન આ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદી મોહિતની ફરિયાદને આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૭,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ-કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.