આધારકાર્ડની કામગીરી કરતા ઓપરેટરો આજે કામથી અળગા રહ્યા : અધિકારીઓની સમજાવટથી ઓપરેટરોએ શનિવાર સુધીનું અલટીમેટમ આપ્યું મોરબી : મોરબી સેવા સદનમાં આધારકાર્ડની કામગીરી કરતા ઓપરેટરોએ કામગીરીમાં અડચણ ઉભું કરાતા હોવાની રાવ સાથે રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી છે. આજ રોજ ઓપરેટરો પોતાના કામથી અળગા પણ રહ્યા હતા. જો કે ઓપરેટરો આજથી કામ મુકવાના હતા. પરંતુ અધિકારીઓની સમજાવટથી તંત્રને શનિવાર સુધીનું અલટીમેટમ આપવામાં આવ્યું છે. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ મોરબી સેવા સદનમાં આજે આધારકાર્ડની કામગીરી કરતા ઓપરેટરોએ તેમની કામગીરી કરવામાં અડચણ ઉભું થતું હોવાની ફરિયાદ સાથે કામ પડતું મૂકી દીધું હતું. સાથે રાજીનામાં ધરી દેવાની તૈયારી દર્શાવી હતી. જો કે આ અંગે જાણ થતા અધિકારીઓએ ઓપરેટરોને મનાવીને મામલો થાળે પડાવ્યો હતો. જેથી તંત્રને ઓપરેટરોએ શનિવાર સુધીનું અલટીમેટમ આપ્યું હતું. ઓપરેટરોને જો શનિવાર સુધીમાં તેમની સમસ્યા માંથી છુટકારો ના મળે તો રાજીનામાં આપી દેવાનું જણાવ્યું હતું. હાલ સેવા સદનમાં આધારકાર્ડની કામગીરીમાં 3 ઓપરેટરો અને 1 સુપરવાઈઝર છે. તેઓના જણાવ્યા મુજબ દરરોજ કચેરીમાં 250 જેટલા અરજદારો આવે છે. પરંતુ માત્ર બે જ આધારકાર્ડની કીટ હોવાથી 60 અરજદારોનો દરરોજ વારો આવે છે. આમ અરજદારોની ભારે ભીડ રહેતી હોય તેવામા અમુક લોકો અન્ય લોકોને લઈ આવીને વચ્ચેથી વારો અપાવડાવે છે. જેથી ઓપરેટરોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી બની રહે છે. વધુમાં આજે ઓપરેટરોએ આકરા મૂડમાં રાજીનામાંની તૈયારી દર્શાવી હતી. સાથો સાથ આજે કામથી અળગા પણ રહ્યા હતા. જો કે અધિકારીઓએ આ વાતને ગંભીરતાથી લઈને તેઓને સમજાવ્યા હતા. જેથી ઓપરેટરોએ આ પ્રશ્નનું નિરાકરણ લાવવા શનિવાર સુધીનું અલટીમેટમ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.