લોકોએ ઘરે જ માતાજીની આરતી કરીને આરાધના કરવાનો ક્રમ જાળવી રાખ્યો મોરબી : મોરબીમાં લોકડાઉનને કારણે જાહેરમાં ધાર્મિક કાર્યક્રમો કરવા માટે એકઠા થવાની મનાઈ હોવાથી શહેરની જુદીજુદી સોસાયટીઓમાં લોકોએ ઘરે જ ચૈત્રી નવરાત્રીના અનુષ્ઠાન શરૂ કર્યા છે. લોકો સાંજે પોત પોતાના ઘરે જ એકઠા થઈને માતાજીની આરતી તથા પૂજા કરીને ભાવપૂર્વક આરાધના કરે છે. લોકોએ આવા કપરા સંજોગોમાં પણ ચૈત્રી નવરાત્રીમાં માતાજીની ભક્તિ કરવાનો ક્રમ જાળવી રાખ્યો છે. હાલ કોરોનાને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ચૈત્રી નવરાત્રી શરૂ થઈ છે. પણ લોકડાઉનના કારણે જાહેરમાં ધાર્મિક કાર્યક્રમો કરવા માટે લોકોને સલામતી માટે એકઠા થવાની મનાઈ હોવાથી લોકોએ ઘરમાં જ ચૈત્રી નવરાત્રીના અનુષ્ઠાન શરૂ કર્યા છે. જેમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પટેલ સોસાયટી, નીલકંઠ સ્કૂલ પાછળની સોસાયટી, કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી સહિતની અલગ અલગ સોસાયટીઓમાં લોકો ઘરમાં જ ચૈત્રી નવરાત્રીમાં માતાજીની ભાવપૂર્વક આરાધના કરી રહ્યા છે. આ સોસાયટીઓમાં લોકો ઘરે સાંજે જ એકઠા થઈને માતાજીની આરતી કરીને ઉપાસના કરે છે. સાથેસાથે માતાજીની ઉપાસનામાં લોકો એકબીજા સાથે સામાજિક અંતર પણ જાળવે છે. આ રીતે કોરોના વાયરસના ગંભીર ખતરા વચ્ચે પણ લોકો ચૈત્રી નવરાત્રીમાં માતાજીની ઉપાસના કરીને સમગ્ર વિશ્વને આ મહામારીના સંકટમાંથી હેમખેમ ઉગારવાની અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરે છે.