ગાય અને ભેંસ માટે માત્ર રૂ.100નું પ્રીમિયમ ભરી રૂ.40 હજારનું વીમા કવચ મળે છેમોરબી : પશુપાલકો માટે ગુજરાત સરકાર દ્વારા માત્ર સૌરાષ્ટ્ર-કચ્છના 50 હજાર પશુઓ માટે પાયલોટ પ્રોજેક્ટ રૂપે પશુધન વીમા યોજના શરૂ કરી છે જેમાં ફક્ત રૂ.100 પ્રીમિયમ ચુકવવાથી 40 હજારના વિમાનો લાભ મળે તેમ હોવા છતાં મોરબી જિલ્લામાં પશુધન વીમા યોજના પ્રત્યે પશુપાલકોમાં નિરસતા જોવા મળી રહી છે અને અત્યાર સુધી માત્ર 813 જેટલા ખેડૂતોએ જ આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી છે.રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજનાનો અમલ શરૂ કર્યો છે. જેમાં પશુપાલક પાસેથી માત્ર 100 રૂપિયા વીમા પ્રીમિયમ અને બાકીના નાણાં સરકાર ચૂકવી આપશે તેવી શરતો સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં 50 હજાર પશુઓ માટે પશુધન વીમા યોજના શરૂ કરી છે જેમાં મોરબી જિલ્લામાં 6000 પશુઓ માટેનો લક્ષ્યાંક નક્કી કરવા આવ્યો છે. આ યોજના તળે વીમા કવચ લીધા બાદ જો પશુનું કુદરતી કે આકસ્મિક મૃત્યુ થાય તો રૂ.40000 સુધીની સહાય મળે છે.વધુમાં સરકારની આ વીમા યોજનામાં એક પશુપાલક વધુમાં વધુ 3 પશુઓ માટે લાભ લઈ શકે છે. ઉપરાંત 3 વેતર સુધીના પશુઓને પશુધન વીમા યોજનામાં સમાવી શકાય છે. મોરબી પશુપાલન વિભાગના અધિકારી ફળદુના જણાવ્યા અનુસાર જિલ્લામાં અત્યાર સુધીમાં 813 પશુપાલકોએ અરજી કરી છે. તેમાંથી 195 અરજી ઓફલાઇન આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લી પશુ વસ્તી ગણતરી દરમિયાન જિલ્લામાં 56 હજાર પશુઓ નોંધાયેલ છે જેની સામે પશુપાલકોની આવેલ અરજી ખુબ જ ઓછી હોવાનું ફલિત થઇ રહ્યું છે.