મોરબી : મોરબીના વાડી વિસ્તારમાં વર્ષો જૂના ટપાલ પહોંચવાના પ્રશ્નનો ઉકેલ આવ્યો છે. હવેથી છેવાડા વિસ્તારોમાં નિયમિત ટપાલ મળશે. ત્યારે સ્થાનિકોએ અગ્રણીઓનો આભાર માન્યો છે. મોરબીના હદ વિસ્તારમાં આવેલા આશરે 100 જેટલા વાડી વિસ્તાર તેમજ છેવાડાની સોસાયટી વિસ્તારમાં નિયમિત ટપાલ પહોંચતી નહતી. આ વર્ષો જૂનો ટપાલનો પ્રશ્ન રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર, મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા સાથે સંકલનમાં મોરબી શહેર હેડ પોસ્ટમાસ્તર જે. આર. રાવલ તેમજ કાઉન્સિલરો અને નાના-મોટા મંડળના આગેવાનોના અથાગ પ્રયત્નોથી ઉકેલાયો છે. મોરબીના છેવાડાના વિસ્તારમાં સમયસર ટપાલ પહોંચતી ન હોવા બાબતે અગ્રણીઓ દ્વારા વારંવાર રજૂઆત બાદ મોરબીના આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર દ્વારા આ બાબતે જવાબદાર કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે. આથી, હવે વાડી વિસ્તારમાં નિયમિત પોસ્ટ દ્વારા ટપાલ કે પાર્સલ પહોંચાડવામાં આવશે. તેમજ અનિવાર્ય સંજોગોમાં ફોન કરી જાણ કરવામાં આવશે. આમ, આઝાદી પહેલાથી વાડી વિસ્તાર તથા છેવાડાની સોસાયટીમાં ટપાલનો પ્રશ્ન પદાધિકારીઓના અથાગ પ્રયત્નથી સફળ થયેલ છે. આથી, વાડી વિસ્તારના સતવારા સમાજ તેમજ સોસાયટી વિસ્તારના રહીશોએ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો છે.