આગાઉ રજુઆત કરી હોવા છતાં તંત્રએ પાણીના ટેન્કર ચાલુ ન કરતા ભારે રોષ મોરબી : માળીયાના રણ વિસ્તારમાં પાણીના સાસા સર્જાતા અગરિયાઓને પાણી માટે રીતસર વલખા મારવા પડી રહ્યા છે. રણ વિસ્તારમાં પાણીની કારમી અછત હોય અગાઉ પાણીના ટેન્કર ચાલુ કરવાની રજુઆતને તંત્રએ કાને ન ધરતા રોષ ભભૂકી ઉઠ્યો છે. માળીયાના રણ વિસ્તારમાં મીઠું પકવવાની કાળી મજૂરી કરતા અગરિયાઓને કાયમ મીઠા પાણી કાયમ પરોજણ રહે છે. હાલ પણ ભર શિયાળે રણ વિસ્તારમાં પાણીની કારમી અછત સર્જાઈ છે.આથી અગરિયાઓને મીઠા પાણી મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને ખાસ્સો અંતર કાપીને પાણી મેળવવા દોડધામ કરવી પડે છે. આથી થોડા સમય પહેલા અગરિયા હિત રક્ષક મંચ મોરબી જિલ્લાના કોઓર્ડીનેટર મારૂતસિંહ બારૈયાએ મોરબી પાણી પુરવઠા વિભાગના અધિકારીને લેખિત રજુઆત કરીને તાત્કાલિક ધોરણે માળીયાના રણ વિસ્તારમાં અગરિયાઓના પીવાના પાણી માટે ટેન્કરો ચાલુ કરવાની માંગ કરી હતી. પરંતુ આજ દિન સુધી પાણીના ટેન્કર ચાલુ કરાયા નથી. હાલ રણ વિસ્તારમાં પાણી ગંભીર કટોકટી હોવાથી ફરીથી પાણીના ટેન્કર ચાલુ કરવાની તેઓએ માંગણી દોહરાવી છે.