નવા વિસ્તારમાં નાણાંપંચના કામો અંગે વિસ્તૃત ચર્ચા, 2 કરોડના કામો મંજુરમોરબી : મોરબી મહાનગર પાલિકાની શનિવારે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં શહેરના વિકાસના કામો, નવા યોજનાકીય કામો સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ટંકારા વિસ્તારના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા હાજર રહ્યા હતા. તેમને મંજુર બાંધકામો સામે મહાનગર પાલિકાની બિલ્ડીંગ સીલ કરવાની કાર્યવાહી સામે વિરોધ કર્યો હતો.સાથે જ નવા ગ્રામ્ય વિસ્તારમાં વેરા વસુલાતના દર અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.સંકલન બેઠકમાં વેપારીઓનો માલ જપ્ત કરવા મુદ્દે પણ ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો.મોરબી મહાનગર પાલિકાના કમિશનરના અધ્યક્ષ સ્થાને શનિવારે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભાજપના અગ્રણીઓ દ્વારા ગત બુધવારે મહાનગર પાલિકા દ્વારા શહેરની મુખ્ય બજારમાં વેપારીઓનો માલ જપ્ત કરવાનો મુદ્દો સળગ્યો હતો. આ બેઠક બાદ કમિશનરે જણાવ્યું હતું કે, સંકલન બેઠકમાં નવા ભળેલા વિસ્તારમાં 2 કરોડના વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા છે. સાથે જ નાણાંપંચની ગ્રાન્ટના કામો વિશે આયોજન કરવામાં આવ્યું હતું.સંકલન બેઠકમાં ટંકારા ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ હાલમાં મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ સીલ કરવાની કાર્યવાહીનો વિરોધ કરવાની સાથે જ શહેરમા નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે મહાનગર પાલિકાના વિસ્તાર મુજબ વેરાની વસુલાત થઈ રહી છે તે વધુ હોવાનું જણાવતા કમિશનર દ્વારા આ મુદ્દે અભ્યાસ અને સરકારની જોગવાઈ મુજબ વસુલાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.બિલ્ડીંગ સીલ કરવાની કાર્યવાહી અયોગ્ય : ધારાસભ્ય દેથરીયાસંકલન બેઠક બાદ ધારાસભ્ય દેથરીયાએ જણાવ્યું હતું કે, આગાઉ પંચાયતમાંથી મંજૂરી મેળવી જે બાંધકામ ચાલી રહ્યા છે તેમને મહાનગર પાલિકા સીલ કરી રહી છે તે અયોગ્ય છે. આ મુદ્દે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે.નાના અને ગરીબ વર્ગના લોકોએ વ્યાજે રૂપિયા લઈ આવા બાંધકામમાં ઘરનું ઘર મેળવવા ફ્લેટ લીધા હોય તેમના હિતમાં 31-12 - 2024 પહેલાની મંજૂરી વાળા બાંધકામ સીલ ન કરવા જોઈએ તેવું તેમને જણાવ્યું હતું.