તમામ દુકાનદારોએ દાળ અને કઠોળના ભાવ બોર્ડમાં દર્શાવવા પડશે મોરબી : કોરોના કાળમાં વધી રહેલી મોંઘવારી જોતા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે અને ખાસ પરિપત્ર બહાર પાડી તમામ રાજ્યોને દાળ અને કઠોળના વેપારીઓ ઉપર નજર રાખવાની સાથે દર સપ્તાહે સ્ટોક લેવા તેમજ તમામ વેપારીઓને દાળ - કઠોળના ભાવ બોર્ડમાં દર્શાવવા આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારે ગત ૧૪મી મેના રોજ એક પરિપત્ર બહાર પાડીને દરેક રાજય સરકારને મિલર, હોલસેલર, આયાતકાર અને વેપારી પાસેથી દરેક સપ્તાહના કઠોળનો સ્ટોક લેવાની સૂચના આપી છે. આથી હવે દરેક રિટેલ દુકાનદારે તેમના બોર્ડ પર દાળ-કઠોળનો સ્ટોક અને ભાવ લખવા ફરમાન કર્યું છે. વધુમાં કેન્દ્રના આદેશને પગલે અન્ન અને નાગરી પુરવઠાના અધિકારીઓ નફાખોર દુકાનદારો પર નજર રાખી રહ્યા છે. આથી દુકાનદારોએ તેમની સલામતી માટે ખાસ બિલની ફાઈલ સંભાળી રાખવી. કોરોના કાળમાં માલનો ભરાવો કરવો નહીં, જરૂર પૂરતી ખરીદી કરવી તેમ જ વાજબી નફો લઈને માલનું વેચાણ કરવા વેપારી સંગઠન દ્વારા તમામ વેપારીઓને અનુરોધ કરાયો છે.