ટંકારા : ટંકારામાં આગામી તા. 26ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 'ઋષિ મહોત્સવ ટંકારા'માં ઉપસ્થિત રહેશે. ત્યારે આ દરમ્યાન ટંકારાના રહીશ રમેશભાઈ ભવાનભાઈ ભુંભરિયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદન આપી રાજ્યપાલ સાથે મુલાકાત આપવા માંગ કરવામાં આવી છે.આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી તા.26-2-2025ના રોજ શિવરાત્રિના દિવસે 'ઋષિ મહોત્સવ ટંકારા' ના કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેવાના છે. ટંકારામાં આઝાદીના અમૃત મહોત્સવ - 75 અંતર્ગત યોજાયેલ ગુજરાત સરકારના ' મેરી મિટ્ટી મેરા દેશ 'ના કાર્યક્રમમાં ટંકારા ખાતે 75 વૃક્ષોનું વાવેતર થયેલ 'અમૃત વાટિકા'અને 'શહિદ સ્મારક 'તખ્તી સરકાર દ્વારા ટંકારાના નિવૃત્ત આર્મી મેન, સરપંચ, સરકારી અધિકારી, આયુર્વેદિક મેડિકલ ઓફિસર, તલાટી કમમંત્રી, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને પ્રતિષ્ઠિત આગેવાનોના હસ્તે અનાવરણ કાર્યક્ર્મ યોજાયો હતો.પરંતુ મહાન સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં બેફામ બનેલા ભૂમાફિયાઓ દ્વારા આ સરકારી ખરાબાની જમીનમાં થયેલ ' શહિદ સ્મારક અને સ્મૃતિ વન'ને ઉખેડીને ફેંકી દીધા છે અને ત્યાં ગેરકાયદેસર રીતે ખનન કરી,ભરતી ભરી બાંઘકામ કરવામા આવી રહ્યું છે. તો ટંકારામાં આવા બેફામ બનેલા ભૂમાફિયાઓને સજા કરાવી 'વીર શહીદો'ને ન્યાય અપાવવા માટે તા. 26-2-3025ના રોજ ટંકારા ખાતે પધારી રહેલા ગુજરાતના મહા મહીમ રાજ્યપાલને રૂબરૂ મળી રજુઆત કરવાની હોય તેથી કાયદાકીય જોગવાઈ મુજબ મુલાકાત આપવા માટે રજુઆત કરવામાં આવી છે.