મોરબી જિલ્લામાં વર્ષ 2023ની વસ્તીગણતરી મુજબ 11 દીપડાનો વસવાટ : 5 દીપડા અભ્યારણ્યમાં 6 અભ્યારણ્ય બહારમોરબી : મોરબી જિલ્લામાં એક માત્ર વાંકાનેર તાલુકામાં આવેલા રામપરા સહિતની અલગ -અલગ વીડીનાં જંગલમાં વન્યજીવોની ભરમાર વચ્ચે દીપડાઓની સપ્રમાણ વસ્તી વચ્ચે છેલ્લા એકાદ અઠવાડિયામાં વાંકાનેર તાલુકાના સીમાડા વટાવી દીપડા મોરબી અને ટંકારા તાલુકામાં આંટાફેરા કરવા આવ્યા હોવાનું સામે આવ્યું છે, વનવિભાગના મતે રાનીપશુ દીપડાઓ ખોરાકની શોધમાં એક જ રાતમાં 25થી 30 કિલોમીટર જેટલું અંતર કાપતા હોય છે.ગીરના જંગલો બાદ જ્યા સૌથી વધુ ડાલાંમથ્થાઓની ડણક સંભળાઈ છે તેવા વાંકાનેર તાલુકામાં રામપરા, વસુંધરા, હોલમઢ, ગારીડા અને મેસરીયાના વીડી વિસ્તારમાં દીપડાઓનો વસવાટ મોટાપ્રમાણમાં છે, વર્ષ 2023માં થયેલ દીપડાની વસ્તીગણતરી મુજબ મોરબી જિલ્લામાં એક માત્ર વાંકાનેર તાલુકામાં જ દીપડાની વસ્તી છે જેમાં પાંચ દીપડા વનવિભાગના અભ્યારણ્યમાં રહેતા હોવાનું અને 6 દીપડા અભ્યારણ્ય બહાર એટલે કે રેવન્યુ વિસ્તારમાં કાયમી વસવાટ કરતા હોવાનું વનવિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે.જો કે, મોરબી જિલ્લામાં એક માત્ર વાંકાનેર તાલુકામાં જ વસવાટ કરતા દીપડા અવાર નવાર વાંકાનેર તાલુકાના હોલમઢ, તીથવા, ધુનડા સહિતના વિસ્તારમાં ખોરાકની શોધમાં આવી ચડતા હોવાનું અને પાલતુ પ્રાણીઓના શિકાર કરતા હોવાના બનાવો સામે આવ્યા છે અને તાજા ભૂતકાળમાં જ દીપડા અભ્યારણ્યની હદ ઓળંગી છે કે વાંકાનેર શહેરમાં દેખાયા હોવાથી વનવિભાગે પાંજરા પણ ગોઠવાતા ચતુર દીપડા ફરી આ વિસ્તારમાં દેખાયા ન હતા.બીજી તરફ છેલ્લા અઠવાડિયાથી વાંકાનેર પંથક છોડી દીપડાઓએ ટંકારા પંથકના ગજડી, મોરબીના કાંતિપુર અને છેલ્લે મોરબી તાલુકાના પાનેલી પાસે આવેલ ગિડચમાં પણ દેખા દેતા મોરબી ફોરેસ્ટ ટીમોએ દીપડાનું પગેરું દબાવ્યું હતું પરંતુ દીપડો વનવિભાગના રડારમાં આવ્યો ન હોવાનું સામે આવ્યું છે.દીપડા ખોરાક માટે 25થી 30 કિલોમીટરનું અંતર કાપી નાખે છેવાંકાનેર વનવિભાગના અધિકારી પી.પી.નરોડીયાના જણાવ્યા મુજબ વાંકાનેર તાલુકામાં દીપડાની વસ્તી જોવા મળે છે, ખાસ કરીને ખોરાકની શોધમાં દીપડો એક રાતમાં 25થી 30 કિલોમીટર જેટલું અંતર કાપતો હોય છે, વાંકાનેર તાલુકામાં હાલમાં રામપરા, વસુંધરા, હોલમઢ, ગારીડા અને મેસરીયાના વીડી વિસ્તારમાં દીપડાઓનો વસવાટ હોવાનું તેમેને જણાવ્યું હતું.મોરબી જિલ્લામાં દીપડાએ માનવ ઉપર હુમલા નથી કર્યામોરબી જિલ્લામાં વનવિભાગે વર્ષ 2023માં કરેલી વસ્તીગણતરી મુજબ હાલમાં જિલ્લાના એક માત્ર વાંકાનેર તાલુકામાં જ દીપડાની વસ્તી જોવા મળે છે જેમાં કુલ 11 દીપડા રામપરા, વસુંધરા, હોલમઢ, ગારીડા અને મેસરીયા વીડીમાં જોવા મળે છે, જો કે, વાંકાનેર વનવિભાગ હસ્તકના વિસ્તારમાં ખોરાક પૂરતો મળતો હોય દીપડા બહાર ભાગ્યે જ નીકળતા હોવાનું અને હજુ સુધીમાં માનવ ઉપર હુમલા થવાનો બનાવ ન બન્યો હોવાનું વનવિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.પાંજરે પુરાયેલ દીપડાની પૂંછડીમાં લગાવાય છે ખાસ ચિપવાંકાનેર તાલુકાના જંગલ વિસ્તારમાંથી બહાર આવી નજીકના રેવન્યુ વિસ્તારમાં પશુઓ ઉપર હુમલાના બનાવોમાં આવા દીપડાને વનવિભાગ દ્વારા પાંજરે પુરવામાં આવે છે અને પાંજરામાં પુરાયા બાદ દીપડાની પૂંછડીમાં ખાસ ચિપ લગાવવામાં આવે છે જેથી બીજી વખતના હુમલામાં અગાઉ હુમલો કરનાર દીપડો જ છે કે અન્ય કોઈ દીપડો તે આસાનીથી નક્કી કરી શકાય છે.