સ્મશાનમાં સાધના કરવાથી તાંત્રિક વિદ્યાના સાધકોની વિદ્યાશક્તિ વધુ મજબૂત થતી હોવાની માન્યતામોરબી : દિવાળીના તહેવારોની શરૂઆત કેટલાંક પ્રાંતમાં રમા એકાદશીથી થાય છે, તો કેટલાંક પ્રાંતમાં ધન તેરસથી. દિવાળીના તહેવારો પૈકીનો એક તહેવાર એટલે કાળી ચૌદસ. કાળી ચૌદસનો તહેવાર ધન તેરસ અને દિવાળીની વચ્ચે આવે છે. તેને નરક ચૌદસ અને રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદસ ગુજરાતી કેલેન્ડર મુજબ આસો મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવે છે.કાળી ચૌદસ દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. નરક ચતુર્દશીને ચોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો સાંજ પછી પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે અને યમરાજની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. આજના દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે, ગલીના નાકે વડા મૂકીને ઘરમાંથી કકળાટ દૂર કરવાની વિધિ કરે છે.માતા મહાકાળીની સાધનામહાકાળી એ માતા પાર્વતીનું રૌદ્ર સ્વરૂપ છે. કાળી ચૌદસના દિવસે રાત્રે માતાજીની ઉપાસના કરવામાં આવે છે. દુર્ગા માતાનું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ટ ભાવોને દૂર કરીને સાચો માર્ગ બતાવે છે. મહાકાળીનું સ્વરૂપ ભલે ભયંકર વિકરાળ લાગે પરંતુ તે ભક્તોનું સદાય શુભ કરવાવાળી છે . આ દિવસે મહાકાળીના મહામંત્રની સાધના શ્રેષ્ઠ ગણાય છે.કાળી ચૌદસ એ મેલી વિદ્યાનાં સાધકોનો ખાસ દિવસ છે. તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની તેમની વિદ્યાશક્તિ વધુ મજબૂત થાય છે. કાળી ચૌદસ આ સિદ્ધિ પ્રાપ્ત કરાવતું પર્વ છે. આ દિવસે અને રાત્રે મહાકાળી પૂજા, હનુમાનજીની પૂજા, ભૈરવ પૂજા અને તંત્ર, યંત્ર, મંત્ર સાધના તેમજ અન્ય ઉગ્ર દેવી દેવતાની સાધનાનું પર્વ છે.કહેવાય છે કે કાળી ચૌદસના દિવસ અને રાત્રિએ કરેલી પૂજા કે સાધના સહસ્ત્ર ગણું ફળ આપે છે. આ માટે જ કાળી ચૌદસની સાધના મંત્ર પ્રયોગ, યંત્ર પ્રયોગ કે આરાધના કરવાથી રાક્ષસ, ભૂત, પ્રેત પિશાચનો ભય નાશ પામે છે. આપત્તિ, સંકટ સામે રક્ષણ મળે અને શક્તિની પ્રાપ્તિ થાય છે. આ દિવસ અને રાત્રિને સિદ્ધદાયી માનવામાં આવે છે.