શહેરમાં એક માત્ર સ્થળે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન : હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો વચ્ચે 10 ફૂટથી ઊંચા વિશાળકાય રાવણનું દહન કરાશે મોરબી : મોરબીમા યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં આજે નવરાત્રીના અંતિમ દિવસે રાસ ગરબાની ભારે રંગત જામવાની છે. ત્યારે આવતીકાલે દશેરાના પર્વે સંકલ્પ નવરાત્રીમા ગ્રાન્ડ ફાઇનલની સાથોસાથ રાવણ દહનના ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી નજીક કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ ક્રિષ્ના ગાઉન્ડ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં અગાઉથી રજિસ્ટ્રેશન કરાવેલ મહિલાઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે. આ સાથે મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેશમા ગરબે રમી શકે તે માટે નિઃશુલ્ક ચણીયાચોલીની વ્યવસ્થા પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. આજે નવરાત્રીનો અંતિમ દિવસ છે. ત્યારે અહીંના ખેલૈયાઓ પણ આ અંતિમ દિવસને મનભરીને માણવા સજ્જ થયા છે. આવતીકાલે અહીં ગ્રાન્ડ ફાઇનલ યોજાનાર છે. આ સાથોસાથ અહીં રાવણ દહનના કાર્યક્રમનું પણ જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે હાલ રાવણ દહનની પરંપરા લુપ્ત થઈ રહી છે. શહેરમાં આ વર્ષે ક્યાંય પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજાનાર નથી. ત્યારે આપણી પરંપરાને જીવંત રાખવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રથમવાર સંકલ્પ નવરાત્રીમાં રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાવણ દહનનો કાર્યક્રમ રાત્રે 11 કલાકે યોજાશે. જેમાં 10 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા રાવણનું દહન કરવામાં આવશે. આ કાર્યક્રમ શહેરની તમામ જનતા માણી શકે તે માટે રાહત દરે એન્ટ્રી આપવામાં આવશે. આ કાર્યક્રમ માણવા સંકલ્પ નવરાત્રીમાં પધારવા માટે યંગ ઇન્ડિયા ગ્રૂપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ આમંત્રણ પાઠવ્યું છે.