આ બન્ને આરોપીઓને થાનના શખ્સે ઈંગ્લિશ દારૂ આપ્યો હોવાનું ખુલ્યું વાંકાનેર : થર્ટી ફર્સ્ટ નજીક આવતા નવા વર્ષની ઉજવણીની આડમાં પ્યાસીઓની ડિમાન્ડ પુરી કરવા માટે દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય થઈ ગયા છે. ત્યારે આ દારૂની બદીને કડક હાથે નાબૂદ કરવા પોલીસે પણ કડક કાર્યવાહી કરી છે. જેમાં વાંકાનેર પોલીસે બાતમીના આધારે વાંકાનેરના રાજગઢ ગામે રૂ. 49,500 ના ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ બન્ને આરોપીઓને થાનના શખ્સે ઈંગ્લિશ દારૂ આપ્યો હોવાનું ખુલતા તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈએ દારૂ-જુગારની બદી દૂર કરવા કડક કાર્યવાહીની સૂચના આપતા વાંકાનેર તાલુકા પીએસઆઇ આર. પી.જાડેજા તથા સર્વેલન્સની ટીમના માણસો વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીગ કરી રહ્યા હતા. તે દરમિયાન મળેલી ચોકસસ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર તાલુકાના રાજગઢ ગામે આવેલ બંગલાની વાડી ઓળખાતી વાડીમાં દોરડો પાડયો હતો. પોલીસે આ સ્થળેથી ઈંગ્લિશ દારૂની બોટલ નંગ 144 કિંમત રૂ. 49,500ના મુદ્દામાલ સાથે બે આરોપીઓ માવજીભાઈ ભનુંભાઈ નંદાસીયા, મેહુલભાઈ દેવાભાઈ નંદાસીયાને ઝડપી લીધા હતા. આ બન્ને શખ્સોની પૂછપરછમાં બન્નેએ ઈંગ્લિશ દારૂનો જથ્થો થાનના ધીરુભાઈએ આપ્યો હોવાની કબૂલાત આપતા વાંકાનેર તાલુકા પોલીસે આ શખ્સ સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવાની તપાસ હાથ ધરી છે.