મોરબીના શોભેશ્વર રોડ પર મફતીયાપરા વિસ્તારમાં મારમારીની ઘટનામાં ચાર શખ્સો સામે ફરિયાદ મોરબી : મોરબીના શોભેશ્વર રોડ પર મફતીયાપરા વિસ્તારમાં અંગત અદાવતમાં બે વ્યક્તિઓ ઉપર ત્રિકમથી હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ચાર શખ્સો સામે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શોભેશ્વર રોડ ઉપર બાબા આંબેડકર હોસ્ટેલ સામે રહેતા તેજસભાઈ જીવરાજભાઈ મકવાણા (ઉ.વ. ૨૫) એ આરોપીઓ વિપુલ ઉર્ફે ટકો ઉર્ફે હિતેશ , સંજય ઉર્ફે ભુરો, દુદો, શૈલેશભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૭ ના રોજ ફરીયાદી પોતાનું બાઈક લઇને શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરા વિસ્તારમાથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આરોપીઓએ ફરીયાદીનુ બાઈક રોકી તેને એક રૂમમાં લઇ જઇ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી બાદ આરોપીઓએ ફરીયાદીના રહેણાક મકાને જઇ સાહેદોને ઢીકાપાટુનો માર મારી તેમજ સાહેદ કોકીલાબેનને માથામાં ત્રીકમ મારી અને ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.