બબ્બે મહિનાથી ફરિયાદ કરવા છતાં પાલિકાનું નીંભર તંત્ર દાદ ન દેતું હોવાની રાવ મોરબી : મોરબીમાં જાહેર માર્ગો ઉપર ગટર ઉભરાવવાની સમસ્યા સાવ સામાન્ય બની છે. પરંતુ, હવે ઉભરાતી ગટર લોકોના ઘરમાં ઘુસી રહી છે છતાં પણ પાલિકાનું નીંભર તંત્ર દાદ ન દેતું હોવાની રાવ ઉઠવા પામી છે. મોરબી શહેરના મોટાભાગના વિસ્તારમાં દરરોજ ભૂગર્ભ ગટર ઉભરાવવાની ફરિયાદ ઉઠે છે. પાલિકાના ચોપડે સૌથી વધુ ફરિયાદો ભૂગર્ભ ગટરને લગતી જ હોય છે. ત્યારે હવે તો નિંદ્રાધીન તંત્રના કારણે લોકોના ઘરમાં ગટરના પાણી ઘુસી રહ્યા છે. જેમાં કાલિકા પ્લોટ શેરી નંબર 2માં જીલ્લાની પેલેસ સામે એક સજ્જનના ઘરમાં બે મહિનાથી ગટર ઉભરાઈ રહી છે. ગટરના પાણી ઘરમાં ઘુસવા અંગે અવાર નવાર છેલ્લા બે માસથી રહેવાસી દ્વારા પાલિકાને ફરિયાદ કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અને આજે પણ ગટરના પાણીથી આ સજ્જનના ઘરનું ફળિયું આખું ગંદકીથી ભરાયું હતું.