આલાપ રોડ ઉપર રહેતા યુવાને ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીમોરબી : મોરબીમાં રહેતા વેપારી યુવાનને ધંધાના કામે નાણાંની જરૂરત ઉભી થતા એક વ્યાજખોર પાસેથી દર દસ દિવસે એક લાખનું 10 હજાર વ્યાજ ચુકવવાની શરતે નાણાં મેળવ્યા બાદ વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા ત્રણ વ્યાજખોરો અઢી મહિનામાં જ તોતિંગ વ્યાજ વસૂલી એમજી હેકટર ગાડી પડાવી લઈ ધાકધમકી આપી પઠાણી ઉઘરાણી શરૂ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના આલાપ રોડ ઉપર અંજલીપાર્કમાં રહેતા રવિરાજ જગદીશભાઈ દેત્રોજા નામના વેપારી યુવાને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજખોર ભુપત જારીયા રહે.આનંદનગર, પાપાજી ફનવર્ડ પાછળ, મોરબી, રાજેશ બોરીચા રહે.ગજડી અને આરોપી ભરત કાનજી ચાવડા રહે. રવાપર, મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓએ આરોપીઓ પાસેથી ઉંચા વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજ ચૂકવવા બીજા અને ત્યાર બાદ ત્રીજા વ્યક્તિ પાસેથી આરોપી ભૂપતના પરિચિતો પાસેથી દર દસ દિવસે વ્યાજ ચુકવવાની શરતે નાણા લીધા બાદ નાણાં ચૂકવી દેવા છતાં ગાળો આપી વધુ નાણાંની ઉઘરાણી કરી આરોપીઓ પૈકી ભરત કાનજી ચાવડાએ એમજી હેકટર ગાડી નંબર જીજે - 36 - આર - 2222 પડાવી લઈ પોતાના નામે કરાવી લીધી હતી.વધુમાં આ તમામ આરોપીઓએ ફરિયાદી રવિરાજ દેત્રોજા પાસેથી અલગ અલગ બેંકના ચેક પડાવી લઈ વધુ નાણાંની ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી હોય આ મામલે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મનીલોન્ડરિંગ એકટ તેમજ આઇપીસી કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.