મોબાઈલના ધંધાર્થી યુવાને ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીમાં ચામડાતોડ વ્યાજ વસુલાત વ્યાજંકવાદીઓની પઠાણી વ્યાજની ઉઘરાણીથી ત્રાસી જઈ બે ટકાથી લઈ 15 ટકા સુધી ઉંચા વ્યાજે નાણા લેનાર યુવાને જીરામાં છાંટવાની દવા ગટગટાવી લેતા પોલીસે હોસ્પિટલના બિછાને પડેલા યુવાનની ફરિયાદના આધારે ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ હળવદ કણબી પરામાં રહેતા અને હાલ મોરબી મહેન્દ્રનગરમાં રોયલપાર્કમાં રહેતા મોબાઈલના ધંધાર્થી ઉમેશભાઇ નરશીભાઇ પારેજીયાને કોરોના કાળમાં ધંધો બરાબર ન ચાલતા અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા અને વ્યાજ ચૂકવવા છતાં વ્યાજખોરો દ્વારા ધમકી આપવામાં આવતા ઉમેશભાઈએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. વધુમાં રંગપર બેલા પાસે મોબાઇલની દુકાન ધરાવતા ઉમેશભાઈએ ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોલીસ સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે પોતાનો ધંધો બરોબર નહી ચાલતા મ રૂપીયાની જરૂરત હોઇ ત્રણેક વર્ષ અગાઉ ભાવેશભાઇ મહેતા રહે-રવાપર રોડ મોરબી વાળા પાસેથી રૂપીયા ત્રણ લાખ, ત્રીસ હજાર રૂપિયા 2 ટકા વ્યાજે લીધેલ હતા. આ ઉપરાંત એક વર્ષ અગાઉ અર્જુનભાઇ આહીર રહે-કુબેર નગર સોસાયટી મોરબી વાળા પાસેથી રૂપીયા ચાર લાખ 15 ટકા વ્યાજે લીધેલ હોવાનું અને આશીષભાઇ આહીર રહે-મહેન્દ્રનગર વાળા પાસેથી બે લાખ બાવીસ હજાર રૂપીયા 11 ટકા વ્યાજે લીધેલ હોવાનું જણાવી વધુ નાણાંની જરૂરત પડતા સોહીલભાઇ સુમરા રહે-પંચાસર રોડ મોરબી વાળા પાસેથી એક લાખ બાસઠ હજાર રૂપીયા 3 ટકા વ્યાજે લીધેલ હોઇ જેથી ચારેય અવાર નવાર ફોન કરી વ્યાજના રૂપીયાની ઉઘરાણી કરતા હતા અને તેમના ભાઇ લલીતભાઇને પણ ફોન કરી આ રૂપીયાની ઉઘરાણી કરતા હોવાનું પોલીસ સમક્ષ જણાવી લલીતભાઇને આશીષભાઇ તથા સોહીલભાઇએ ધમકી આપેલ કે તારો ભાઇ રૂપીયા નહી આપે તો તેને જાનથી મારી નાખીશુ બાકી વ્યાજ તો લેવાનુ છે તેમ કહેલ હોઇ જેથી કંટાળી જઇ પોતે જીરામાં છાટવાની દવા પીધેલ હોવાનું કહ્યું હતું. દરમિયાન પોલીસે ઉમેશભાઈની ફરિયાદને આધારે ભાવેશભાઇ મહેતા, અર્જનભાઈ આહીર, આશિષભાઇ આહિર અને સોહિલભાઇ સુમરા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૮૪,૫૦૬(૨), તથા ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ -૨૦૧૧ ની કલમ ૫, ૩૩(૩), ૪૦, ૪૨ મુજબ ગુન્હો નોંધી ચારેય વ્યાજખોરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.