રામ ચોકથી રસ્તો બંધ કરી થિંગડાને બદલે પાકી રફુ કરવામાં આવી મોરબી : મંગળ ગ્રહ બની ગયેલ મોરબીના રવાપર રોડ, શનાળા રોડ, સામાકાંઠા, વાવડી રોડ, પંચાસર ઉપર ઠેર - ઠેર એટલી હદે ગાબડા પડયા છે કે, લોકોને વાહન લઈને તો ઠીક પગપાળા ચાલવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે અંતે પાલિકા પહેલા માર્ગ અને મકાન વિભાગે શનાળા રોડ ઉપર પાલિકા સામેથી ગાબડા પુરવાનું શરૂ કર્યું છે. ઓણ સાલ મોરબીમાં અવિરત વરસાદે અગાઉથી જ ખખડધજ હાલતમાં મુકાયેલા રસ્તાનો ભ્રષ્ટાચાર ધોઈ નાખતા પાલિકા તંત્ર અને માર્ગ અને મકાન વિભાગની લોલમલોમ ખુલીને પ્રજા સામે આવી છે અને લોકો મંગળ ગ્રહ જેવા ગાબડા યુક્ત રોડથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ મોરબી દ્વારા લોટ, પાણી ને લાકડાના બદલે મજબૂત ટકાઉ મરામત કાર્ય શરૂ કર્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાલિકા સામે છેલ્લા લાંબા સમયથી પડી ગયેલા મહાકાય ગાબડા પુરવા ગઈકાલથી જ રામચોકથી ગાંધીચોક સુધીનો માર્ગ બંધ કરી દઈ વ્યવસ્થિત રીતે અહીંના ગાબડા પુરવાનું શરૂ કરતા લોકોને આ ઉબડ ખાબડ માર્ગથી રાહત મળવાની આશા બંધાઈ છે.