મોરબી: મોરબી રેલવે સ્ટેશન નજીક આવેલી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસેની રેલવે ફાટક પર રોજિંદી ટ્રાફિક જામની સમસ્યાને કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એક નાગરિક દ્વારા અપાયેલ માહિતી મુજબ આ ફાટક પાસે ટ્રેન ઊભી રહીને 'ટ્રાન્સફર'ની પ્રક્રિયા પૂરી કરે છે, જેના કારણે ફાટક લાંબા સમય સુધી બંધ રહે છે.ફરિયાદકર્તાના જણાવ્યા અનુસાર, ટ્રેન ફાટક પાસે આવીને ઊભી રહે છે અને આગળથી ટ્રાન્સફર સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરે છે. આ પ્રક્રિયાને કારણે ફાટક ઓછામાં ઓછી 20 મિનિટ માટે બંધ રહે છે. તેમજ ફાટક ખુલ્યા પછી પણ સમગ્ર ટ્રાફિક ક્લિયર થતાં ઓછામાં ઓછી 30 મિનિટ જેટલો સમય લાગે છે.નાગરિકે જણાવ્યું કે આ રોજનો પ્રશ્ન છે અને લોકો તેનાથી ખૂબ જ હેરાન થાય છે. ફાટક પર ટ્રાફિક પોલીસનો જવાન હાજર હોવા છતાં, આટલી મોટી સમસ્યાનું કોઈ યોગ્ય સંકલન દેખાતું નથી. ફરિયાદકર્તાએ ગેટમેનને આ અંગે ઘણી વખત રજૂઆત કરી હોવા છતાં, ગેટમેન કોઈ દિવસ સાંભળતા નથી કે જવાબ આપતા ન હોવાનું જણાવ્યું છે. નાગરિકે પોતાની મજબૂરી વ્યક્ત કરતાં જણાવ્યું કે જો કોઈ માથાકૂટ કરવા જાય તો ફરજમાં રુકાવટનો કેસ થઈ જવાનો ભય રહે છે. તેથી આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.