સાંજે દલવાડી સર્કલ અને રાત્રે ઉમિયા સર્કલ ખાતે હોબાળો મચાવ્યો : લાઇટોમાં તોડફોડ પણ કર્યાની રાવ મોરબી : મોરબીના મુખ્ય ગણાતા એવા બે સર્કલ ઉપર એક યુવાને નગ્ન અવસ્થામાં ધમાલ મચાવીને ગામ ગાંડુ કર્યું હતું. જો કે અંતે લોકોએ જાગૃત બની આ શખ્સને પકડી પાડી કપડા પહેરાવ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ એક હિન્દી ભાષી શખ્સે આજે સાંજે શહેરના દલવાડી સર્કલ ખાતે અર્ધનગ્ન હાલતમાં રોડ ઉપર હોબાળો મચાવ્યો હતો. તેના લીધે વાહનોને પણ અડચણ ઉભી થઇ હતી. ત્યારબાદ રાત્રે આ શખ્સ ઉમિયા સર્કલ પહોંચ્યો હતો. જ્યાં તેને બધા કપડા કાઢી નાખી સંપૂર્ણ નગ્ન અવસ્થામાં આંટાફેરા કરીને જાહેર લાઈટોમાં તોડફોડ પણ કરી હતી. જો કે લોકોએ જાગૃત બની આ શખ્સને પહેલા કપડા પહેરાવ્યા હતા. આ શખ્સ નશામાં હતો કે માનસિક રીતે અસ્થિર હતો તે હાલ બહાર આવ્યું નથી. આ મામલે એ ડિવિઝન પીઆઇ એચ.એ જાડેજાને જાણ કરતા તેઓએ કહ્યું કે હાલ સુધી પોલીસ સમક્ષ આ બનાવ પહોંચ્યો નથી. પણ અત્યારે ઘટના સ્થળે ટિમ મોકલી આ મામલે તપાસ કરવામાં આવશે.