રિસામણે ગયેલ પત્ની પતિના ઘરની બાજુમા રહી સાથે રસોડું ચલાવતી, પહેલા રસોઈ બનાવવાની લપમાં પતિ ઉપર હુમલો મોરબી : મોરબીમાં ઉલટી ગંગા જેવા એક વિચિત્ર કિસ્સામા રિસામણે ગયેલ પત્ની પતિના ઘરમાંથી જ રસોઈ બનાવવા આવતી હોય રસોઈ બાબતે લપ થતા પતિને માથામા લોખંડની લોઢી ફટકારી હાથના અંગૂઠામાં બચકું ભરી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજન મોરબીના શકત શનાળા ગામે રહેતા નારણભાઇ રામજીભાઈ સોલંકીને તેમના પત્ની સીતાબેને માથામાં લોખંડની લોઢી ફટકારી ગાળો આપી હાથના અંગૂઠામાં બચકું ભરી લેતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુમાં નારણભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પત્ની સીતાબેન રિસામણે ચાલ્યા ગયા હતા અને બાદમાં ફરી તેમના ઘરની બાજુમાં જ રહેવા આવી જઈ નારણભાઈના ઘેર જ રસોઈ બનાવતા હતા. બનાવના દિવસે નારણભાઇના બહેન સાથે આરોપી સીતાબેન પહેલા પોતાને રસોઈ કરવી હોય માથાકુટ કરતા હોય જેથી પતિ નારણભાઇ સમજાવવા જતા તેણીએ હુમલો કર્યો હોવાનું જાહેર કરતા પોલીસે સીતાબેન વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.