પોલીસે હત્યાના બનાવનો ભેદ ઉકેલી ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો મોરબી : મોરબી તાલુકાના ચાંચપર ગામ નજીક વોકળામાંથી યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવવા પ્રકરણમાં તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં સગી મા જનેતા સાથે ખરાબ કૃત્ય આચરવાની કોશિશ કરનાર યુવાનને તેના જ સગાભાઈએ ગમચાથી ગળેટૂંપો આપી હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા સગાભાઈને દબોચી લીધો હતો. મોરબીના ચાંચપર ગામની સીમના વોકળામાંથી યુવાનની લાશ મળી આવતા તાલુકા પોલીસે બાતમીદારો અને ટેક્નિકલ સોર્સને કામે લગાડી પોલીસે તપાસ શરૂ કરતા અને મૃતક યુવાન મૂળ બિહારના વતની અને હાલ મોરબીના થોરાળા ગામે રહેતા રાજન મિશ્રા હોવાની ઓળખ મળી હતી અને આ મૃતક યુવાનની તેના જ સગા ભાઈએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ હત્યા કેસમાં પોલીસે હત્યારાના મિત્ર એવા રાજેશ ઉમેશપ્રસાદ પાંડેએ આરોપી આનંદ અશોક મીશ્રા સામે ફરિયાદ નોંધાવી હતી કે, રાજેશ તેમજ આનંદ મિશ્રા સાથે કામ કરતા હોય થોડા સમય પહેલા આનંદનો ભાઈ રાજન મિશ્રા બિહારથી રોજી રોટી માટે થોરાળા આવ્યો હતો અને ત્રણેય એક જ ઓરડીમાં સાથે રહેતા હતા. આ અગાઉ જ્યારે આનંદને ઇજાઓ થતા રાજેશ તેની સાથે બિહાર ગયો ત્યારે આનંદના પિતાએ કહ્યું હતું કે રાજન મિશ્રા ચોરી ચપાટી કરે છે તેમજ સગી માતા સાથે બે ત્રણ વખત ખરાબ કૃત્ય કરવા કોશિશ કરી હતી. આ બાબતની જાણ થતાં આનંદના મનમાં ખૂંનન્સ સવાર થયું હોય તેમ તા.18 જાન્યુઆરીના રોજ રાજેશ, આનંદ અને રાજન ત્રણેય ચાંચપર ગામ તરફ ગયા બાદ ચીકન લઈ પરત આવતી વખતે રસ્તામાં વોકળામા ચિકન ખાવા બેઠા ત્યારે આનંદ મિશ્રાએ સગા ભાઈ એવા રાજનને સફેદ ગમચા વડે ગળેટૂંપો આપી વોકળામા ભરેલ પાણીમા મૃતદેહને ડુબાડી પગથી કાદવમાં દાટી દીધી હતી. આથી હાલમાં પોલીસે હત્યાના આ બનાવનો ભેદ ઉકેલી નાખી રાજેશ પાંડેની ફરિયાદને આધારે આરોપી આનંદ મિશ્રાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.