પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામે ત્રણ દિવસ પહેલા પત્ની સાથે આડાસબંધમાં પતિની કરપીણ હત્યા થયાનું બહાર આવ્યું હતું. જેમાં મૃતકની પત્નીના પ્રેમીએ જ આડાસબંધમાં આડખીલી રૂપ પતિનો કાટો કાઢી નાખ્યો હતો. આ બનાવ અંગે ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં જ પોલીસે મૃતકની પત્નીના પ્રેમીને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ અંબાણી વીટ્રીફાઇડ કારખાનામાં મજુરોની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા મૂળ દાહોદના વતની વિજયભાઇ બાબુભાઈ ભાભોર (ઉ.વ.32) નામના યુવાનની ગત તા.4 ના રોજ હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યાના બનાવ અંગે મૃતકના ભાઈ જશવંતભાઈ ઉર્ફે જયેશ બાબુભાઇ ભાભોર (ઉ.વ.24, ધંધો-મજુરી, રહે.હાલ લજાઇ ભગત તાવડીના કારખાનાની મજુરી ઓરડીમાં, વાંકાનેર રોડ બાજુ લજાઇ ચોકડી પાસે, તા.ટંકારા જી.મોરબી મુળ રહે.ભાભોર ફળીયુ વાકોટા તા.ધાનપુર જી.દાહોદ) એ આરોપી પીન્ટુ નામનો માણસ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરીયાદીના ભાઇના પત્ની સાથે આડાસબંધ હોવાના કારણે ફરીયાદીના ભાઇના રૂમમાં પ્રવેશ કરી ફરીયાદીના ભાઇને કોઇપણ તીક્ષ્ણ હથીયાર વડે ગંભીર પ્રકારની માથામાં તથા મોઢામાં ઇજા કરી મોત નીપજાવી હત્યા કરી હતી. આ બનાવની ફરિયાદના પગલે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને ગઈકાલે સાંજે જ આરોપી ઇન્દ્રરાજ ઉર્ફે પિન્ટુ પવનકુમાર મોર્ય (ઉ.વ.23) ને ઝડપી લીધો હતો અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.