રવાપર રોડ ઉપર બે દિવસ પૂર્વે વહેલી સવારે યુવતી ઉપર હુમલાની ઘટનામાં ભાવનગરના બોયફ્રેન્ડ વિરુદ્ધ ગુન્હો નોંધાયોમોરબી : મોરબીના રવાપર રોડ ઉપર બે દિવસ પહેલા પુત્રને સ્કૂલ બસમાં બેસાડવા માટે જઈ રહેલી ત્યકતા યુવતી ઉપર બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ લાકડી વડે હુમલો કરવાના બનાવમાં યુવતીના ભાવનગર રહેતા બોયફ્રેન્ડ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે, આ કિસ્સામાં યુવતીએ પોતાના બોયફ્રેન્ડને બ્લોક કર્યો હોય હુમલો કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.મોરબીના રવાપર રોડ ઉપર ગત તા.7ના રોજ વહેલી સવારે બાપા સીતારામ ચોકમાં ચાંદની પાસે પોતાના પુત્રને સ્કૂલ બસમાં બેસાડવા માટે આવેલ આરતીબેન જશવંતભાઈ છનિયારા ઉ.31 નામની યુવતી ઉપર બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી લાકડીઓ ફટકારતા આરતીબેનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બીજી તરફ હુમલાનો ભોગ બનનાર આરતીબેને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે વર્ષ 2012મા તેણીના લગ્ન થયા હતા અને બાદમાં છૂટાછેડા થઈ જતા આરતીબેન હાલમાં તેના 11 વર્ષના પુત્ર રેહાંશ ઉ.11 સાથે ચાંદની પાન વાળી શેરીમાં રહે છે અને તેઓ એલિટ સ્કૂલમાં ડાન્સ ટીચર તરીકે નોકરી કરે છે. વધુમાં તેણીને ભાવનગર રહેતા આરોપી વિજય બારૈયા સાથે પ્રેમ સંબંધ હોય આરોપી બોયફ્રેન્ડ વિજય સાથે બોલાચાલી થતા આરતીબેને વિજયને બ્લોક કરી દીધો હોય તેનો ખાર રાખી પોતાના ઉપર હુમલો કરાવ્યો હોવાની પોલીસ સમક્ષ શંકા વ્યક્ત કરી સીસીટીવી ફૂટેજમાં પણ એક્સ બોયફ્રેન્ડ દેખાતો હોય આરોપી વિજય તેમજ અજાણ્યા બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.