દાતાઓના સહયોગથી મોરબી નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં નંદીઓની રખાતી સાર-સંભાળ મોરબી : મોરબી શહેરમાંથી પકડવામાં આવેલા રસ્તે રઝળતા નંદીઓને નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં રાખવામાં આવી રહ્યા છે જ્યાં દાતાઓના સહયોગથી ગૌવંશની સાર સંભાળ રાખવામાં આવતી હોય તાજેતરમાં આ દાતાઓનું રાજ્યમંત્રીના હસ્તે સન્માન-અભિવાદન કરાયું હતું. મોરબી પાલિકા સંચાલિત નંદીઘરમાં શહેરમાં રખડતા નંદીઓને પકડી સાર-સંભાળ રાખવામાં આવે છે જેથી જીવરક્ષા તો થાય જ છે સાથે સાથે શહેરમાં ટ્રાફિક જેવી સમસ્યાઓ પણ નિવારી શકાય છે. આ નંદીઘરની નાણાકીય જરૂરિયાતોને સંતોષવા દાતાઓનો સહયોગ મળી રહે છે. નંદીઘરમાં દાન આપનાર સંસ્થાઓ તેમજ દાતાઓનું રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીએ નંદીઘરની મુલાકાત લઈ જાત નિરીક્ષણ પણ કર્યુ હતુ. દાતાઓના આ માનવીય અભિગમની સરાહના કરતાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નંદી સ્વરૂપ બળદ એ ભારતની કૃષિ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. પર્યાવરણમાં પણ વન્યસૃષ્ટિ સિવાય નંદી અને ગાય એમ તમામ જીવ સૃષ્ટીનું પણ મહત્વનું યોગદાન છે. ત્યારે નગરપાલિકા દ્વારા આવા મૂંગા પશુઓની દરકાર રાખવામાં આવે છે જેથી તેમની કામગીરીને પણ બિરદાવી જોઈએ.નગરપાલિકાના આ કાર્યમાં દાતાઓનો સહયોગ પણ ખૂબ મહત્વનો છે માટે દાતાઓને પણ મંત્રીએ ધન્યવાદ આપ્યા હતા. આ પ્રસંગે મંત્રીના હસ્તે ધક્કાવાળી મેલડી માતાજી મંદીર-મોરબી, બજરંગ ધુન મંડળ-મોરબી, પરમેશ્વર સંતવાણી સેવા મંડળ-મોરબી, ખીજડીયા સત્સંગ મંડળ, શામજીભાઈ રંગપરીયા તેમજ વિનુભાઈ રૂપાલા એમ દાતા સંસ્થાઓ તેમજ દાતાઓનું સન્માન કરાયું હતું. નંદીઘરમાં ચાલતી કામગીરીની રૂપરેખા નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ આપી હતી.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, અગ્રણી સુરેશભાઈ દેસાઈ, દેવાભાઈ અવાડીયા તેમજ નગરપાલિકાના ચેરમેનઓ, સદસ્યઓ અને સ્થાનિક અગ્રણીઓ તથા દાતા સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.