મોરબી યાર્ડમાં એક જ સપ્તાહમાં જીરુંની 40150 મણ આવક, પ્રતિમણ જીરુંના ઉપજતા 3940 થી 5170 ભાવમોરબી : ગત વર્ષે જીરુંના ભાવમાં આગઝરતી તેજી વચ્ચે ખેડૂતોને પ્રતિમણ જીરુંના 12હજાર સુધીના ભાવ મળતા ઓણસાલ મોરબી જિલ્લામાં ખેડૂતોએ ચણા કે, ઘઉંને બદલે જીરુંનું પુષ્કળ વાવેતર કરતા હાલમાં બજાર ગગળી જતા જીરુંનું વાવેતર કરનાર ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે, હાલમાં ખેડૂતોને જીરુંના 3940 થી 5170 રૂપિયા જ ભાવ મળતો હોય ખેડૂતોએ સરકાર સમક્ષ જીરુંની નિકાસ કરવા માંગ ઉઠાવી છે.મોરબી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક સપ્તાહમાં જીરુંની 40150 મણ આવક થઇ છે અનેપ્રતિમણ જીરુંનો ભાવ રૂપિયા 3940 થી 5170 સુધી નો રહ્યો છે.જયારે કપાસની 19240 મણ આવક થઇ તેમાં 1250 થી લઈ 1662 સુધીનો ભાવ મળ્યો છે, યાર્ડમાં ઘઉંની 3330 મણ આવક થઇ હતી જેમાં 405 થી 601 સુધીનો ભાવ મળ્યો છે જયારે ચણાની 9170 મણ આવક થઇ જેમાં 950 થી 1149 સુધીનો ભાવ મળ્યો છે જયારે રાયડાની 4275 મણ આવક થઇ છે જેનો ભાવ 800 થી લઈ 970 રૂપિયા પ્રતિ મણનો રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જીરુંના ભાવમાં આગઝરતી તેજી વચ્ચે ખેડૂતોને પ્રતિમણ જીરુંના 12હજાર સુધીના ભાવ મળતા ઓણસાલ મોરબી જિલ્લામાં ખેડૂતોએ મોટાપ્રમાણમાં જીરુંનું વાવેતર કર્યું હતું પરંતુ માંગ અને પુરવઠાના નિયમ મુજબ જીરુંની પુષ્કળ આવક થતા હાલમાં બજાર ગગળી ગઈ છે. વાવેતરના આંકડા જોવામાં આવે તો મોરબી જિલ્લામાં ગયા વર્ષે 26952 હેકટરમાં જીરુંનું વાવેતર થયું હતું જે વધીને આ વર્ષે 71, 400 હેકટરમાં જીરુનું વાવતેર થયું હતું. જો કે, ઓણસાલ જીરુંનું વાવેતર કરનાર ખેડૂતોને કમોસમી વરસાદનો માર પણ સહન કરવો પડ્યો હતો.મોરબી માર્કેટિંગ યાર્ડમાં હરરાજીમાં ભાગ લેતા વેપારીઓએ જણાવ્યું હતું કે આ વખતે ત્રણ ગણું વાવેતર થતા જીરાનો ભાવ 5000 થી 5500 સુધી સ્ટેબલ રહેશે . લાંબા ગાળે વધવાની શક્યતા છે. ગયા વખતના ભાવ આ વખતે મળે તેવું સ્વપ્નમાં પણ વિચારવું નહીં તેવું તેમને જણાવ્યું હતું.મોરબી તાલુકાના ગાળાના ખેડૂત હસમુખભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે 18000 રૂપિયાના ભાવ નું બિયારણ લીધું એ પણ મોંઘુ આવ્યું અમને 7 થી 8 હજાર મણે મળવાની આશા હતી પણ અત્યારે બજાર સાવ બેસી ગઈ છે. જો સરકાર જીરું એક્ષ્પોર્ટ કરશે તો જ ભાવ વધશે નહીંતર ખેડૂત મરી જશે અને ખર્ચો પણ નહિ નીકળેબરવાળા ગામના ખેડૂતે જણાવ્યું હતું કે મેં 100 વીઘામાં વાવેતર કર્યું હતું. માવઠાના કારણે જીરુંના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે અને હાલમાં 100 વીઘામાંથી 30 મણ જ સારું જીરું થયું છે. બાકીનું જીરું બગડી ગયું છે. અમારી પાસે મજૂરી ચૂકવવા રૂપિયા પણ નથી હાલામા ના છૂટકે નીચા ભાવે જીરું વેચવું પડે તેવી સ્થિતિ હોવાનું તેમને જણાવ્યું હતું.મોટાભેલાના સુરેશભાઈ નામના ખેડૂતે જણાવ્યું હતું કે જીરુંના પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી આ નુક્સાનીના ભાવ છે જો આટલા નીચા ભાવ આવે તો છોકરાના લગ્નનો ખર્ચો પણ ન નીકળે . જીરુંનો ભાવ 7 થી 8 હાજર હોય તો ખેડૂતોના છોકરા પરણે અને પોતાની રોજીરોટી નીકળે તેમ હોવાનું જણાવ્યું હતું.