ભાણેજને શનાળા મુકવા જઈ રહેલ દંપતીને સમડીનો ભેટો થઈ ગયો મોરબી : મોરબીના શનાળા નજીક ચિલઝડપ કરતી સમડીએ ડેરાતંબું નાખ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે ગઈકાલે બાઈક ઉપર પોતાના ભાણેજને મુકવા જઈ રહેલ દંપતીને નિશાન બનાવી સમડીએ 23 ગ્રામથી વધુ વજનની સોનાની માળાની ચિલઝડપ કરી રાજકોટ તરફ નાસી છૂટતા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.ઉલ્લેખનીય છે કે, પંદરેક દિવસ પૂર્વે પણ શનાળા પાસેથી પાટીપારો અને પયહારની ચિલઝડપ થઈ હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના આલાપ રોડ ઉપર શીવ શક્તિ પાર્કમાં રામેશ્વર પેલેસ ફ્લેટમાં રહેતા વનીતાબેન રમેશભાઈ સદાતીયા તેમના પતિ રમેશભાઈ સાથે ભાણેજ વેદને શનાળા ગામે મુકવા જતા હતા ત્યારે શનાળા ગામ પાસે ડિવાઈડર ક્રોસ કરવા જતા હતા ત્યારે અચાનક જ ડબલ સવારી બાઈકમાં સમડી ત્રાટકી હતી. વધુમાં વનીતાબેન બાઇકમાં બેઠા હતા તેમને સમડીએ નિશાન બનાવી ગળામાં પહેરેલ 23.320 ગ્રામ વજનની સોનાની માળા ખરીદ કિમત રૂપિયા 1,30,360 ઝોટ મારી ખેંચીને બન્ને રાજકોટ તરફ નાસી છૂટ્યા હતા.જો કે, બન્ને સમડી પાછળ બાઈક દોડાવી પીછો કરવા છતાં બન્ને હાથ લાગ્યા ન હતા. ચિલઝડપના આ બનાવ અંગે વનીતાબેન સદાતીયાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.