નાટ્ય, લોકભવાઈ, ચારણી સાહિત્ય અને સંતવાણી ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર દંતકથા સમાન કલાગુરુઓનું ભારતીય પરંપરા મુજબ બહુમાન કરાયુંમોરબી અપડેટ : રંગમંચ, લલિતકલા અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતીની મોરબી જિલ્લા સમિતિ દ્વારા ગુરુપૂર્ણિમાની ભારતીય પરંપરા અને પ્રણાલી મુજબ વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે નાટ્ય, લોકભવાઈ, સાહિત્ય અને સંતવાણી ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર કલાગુરુઓના નિવાસ સ્થાને જઈને ગુરુપૂજન અને સન્માન કરી ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી અંતર્ગત મૂળ વિરપરડાના ચારણી સાહિત્યકાર, કવિ, લેખક, લોકવાર્તાકાર અને આકાશવાણી તેમજ દૂરદર્શનના 'બી હાઈ ગ્રેડ' કલાકાર ડો. શિવધનભાઈ જુગતરામ વ્યાસનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ 1974 થી આકાશવાણી રાજકોટ પરથી દુહા, છંદ અને વાર્તાઓ રજૂ કરતા આવ્યા છે. રામજી વાણીયા લિખિત રેડિયો નાટક 'અસાઈત ઠાકર દીકરી ગંગા' માં તેમણે ભરત યાજ્ઞિક સાથે રંગલાની ભૂમિકા ભજવી છે તેમજ 'મહારથી કર્ણ', 'જેસલ તોરલ', 'ભક્ત પ્રહલાદ' સહિતના નાટકો લખ્યા છે. હાલ ચારણી સાહિત્યના આશરે 700 જેટલા છંદો અને કાવ્યો ધરાવતી તેમની પુસ્તક 'શિવ કાવ્ય સરવાણી' પ્રકાશિત થવા જઈ રહી છે. તેમણે રાજેશ્વરી ભવાઈ મંડળ દ્વારા અનેક વેશ ભજવ્યા છે, રામરાજ્યમા શ્રીરામનું પાત્ર, સત્યવાનનું પાત્ર, બિલ્વ મંગળનું પાત્ર, જેસલ જાડેજાનું પાત્ર, તેમજ 'રાંકનું રતન' નાટકમાં ચારણના પાત્રથી અપ્રતિમ લોકચાહના મેળવી હતી. 1979 માં મોરબી ખાતે ઉજવાયેલ 'હીરજી કેશવજી શતાબ્દી મહોત્સવ' માં કમલા ચટોપાધ્યાય, રંગનાઈકી આયંગર, મનસુખ જોશી તથા ગુજરાતના ધુરંધર કલાકારો સાથે કામ કર્યું હતું.બીજા કલાગુરુ તરીકે ખાખરાડાના રેડિયો-ટીવી આર્ટિસ્ટ, ઉત્તમ કવિ અને પિંગળ સાહિત્યના મર્મજ્ઞ મનહરભાઈ પૈજાનું સન્માન કરાયું હતું. તેમણે અનેક છંદો અને કવિતાઓની રચના કરી છે અને તેમની વાર્તાઓ તથા વક્તવ્યો આકાશવાણી પરથી નિયમિત પ્રસારિત થાય છે.ત્રીજા કલાગુરુ તરીકે કોયલી ગામના સંતવાણી આરાધક છગન ભગતનું સન્માન કરવામાં આવ્યું હતું, જેઓ છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી પ્રાચીન ભજન-સંતવાણીની પરંપરા જાળવી રહ્યા છે અને નવોદિત કલાકારોને માર્ગદર્શન આપી રહ્યા છે.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા સંસ્કાર સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઈ બરાસરા, મહામંત્રી પ્રાણલાલ પૈજા, કોષાધ્યક્ષ મયુરીબેન કોટેચા, મંત્રી માધુરીબેન વારેવડીયા, લોકકલા સંયોજક રવિરાજભાઈ પૈજા, સાહિત્ય કલા સદસ્ય પરમભાઈ જોલાપરા, જિજ્ઞાસાબેન બગા, મંચિયકલા સંયોજક ભાસ્કરભાઈ પૈજા તેમજ સમિતિના સભ્યો અને શિષ્યો જોડાયા હતા. ઉપસ્થિત સહુએ કલાગુરુઓના સંઘર્ષ, સંસ્મરણો અને કલાયાત્રાના અનુભવો વાગોડ્યા હતા.#Morbi #MorbiNews #SanskarBharati #GuruPurnima #KalaGuru #CharniSahitya #Bhavai #Santvani #GujaratNews