સીટી બી ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં પરિમલ સ્કૂલ પાસે રહેતા બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો અને ઝઘડો વકરતા બન્ને પક્ષે ધોકા અને છરી વડે હુમલો થતા બન્ને પક્ષના લોકોને ઇજાઓ થતા સીટી બી ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં પરિમલ સ્કૂલ પાસે રહેતા દક્ષાબેનને પાડોશીઓ સાથે માથાકૂટ થતા તેમનો ભત્રીજા રવિ ચંદુભાઈ વડલખિયા, રાહુલ ભુપતભાઇ ડુમિયાણી તેમજ તેમનો મિત્ર પડોશીઓને સમજાવવા જતા બોલાચાલી થઈ હતી જેમાં આરોપી વિમલ દિનેશ બાબરીયા, અશોક દિનેશભાઇ બાબરીયા અને શૈલેષ બાબરીયાએ ઝઘડો કરી રવિ વડલખિયાના પગમાં ધોકો મારી ફ્રેકચર કરી નાખવાની સાથે વિનોદ વડલખિયાને ઢીકા પાટુનો માર મારતા ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જ્યારે સામાપક્ષે અશોક ઉર્ફે બાબો દિનેશભાઇ બાબરીયાએ રાહુલ ભુપતભાઇ, રવિ ચંદુભાઈ, વિરુ ખવાસ અને બે અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ ફરિયાદી અશોકના ભાઈ તેમજ પિતા સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હોવાથી સમજાવવા જતા આરોપીઓએ સંજનાબેનને માર મારી સાહેદ વેલજીભાઈ અને વિજયભાઈ વચ્ચે છોડાવવા આવતા વેલજીભાઈ અને વિજયભાઈને આરોપીઓએ છરી મારી કપાળમાં ધોકો ફટકારી ઇજા કરી હતી. આ બનાવમાં સીટી બી ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.