નવરાત્રીને લઈને ભારે ઉત્સાહ : બજારોમાં છેલ્લે સુધી ખરીદીનો ધમધમાટમોરબી : મા શક્તિની ઉપાસના, આરાધનાનું પર્વ એટલે નવરાત્રી, મોરબી શહેર જિલ્લાના નવરાત્રીના પાવન પર્વને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, નવરાત્રી પર્વને અનુલક્ષીને બજારમાં તેજીનો સંચાર થયો છે. નવરાત્રીમાં મોરબી શહેર જિલ્લામા પ્રાચિત અર્વાચીન રસોત્સવના અનેકવિધ આયોજન થયા છે જેમાં 571 સ્થળોએ પ્રાચીન ગરબીઓમાં આજથી રાસ ગરબાની રમઝટ બોલશે.નવરાત્રી પર્વને લઈ પોલીસ પણ સતર્ક બની છે અને પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ શરૂ કર્યું છે.મોરબીમાં નવરાત્રીની રોનક સાથે બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે નેહરુ ગેટ ચોક, જૂના બસ સ્ટેન્ડ, રવાપર રોડ, શનાળા રોડ, વાવડી રોડ, પંચાસર રોડ, અને સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલ સહિતના વિસ્તારોમાં નવરાત્રીને લગતી વસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ જામી હતી. ખાસ કરીને, લોકોએ ચણિયાચોળી, ચુંદડી, ગરબા, હાર અને અન્ય શણગારની વસ્તુઓની ખરીદી કરી હતી. આજથી નવ દિવસ નવરાત્રીનો આદ્યત્મિકતાનો માહોલ સાથે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.નવરાત્રીને પગલે પોલીસનું ફૂટ પેટ્રોલીંગ, વાહન ચેકીંગમોરબી પોલીસ દ્વારા નવરાત્રીના તહેવારને પગલે ફૂટ પેટ્રોલીંગ અને ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી જેમાં એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા પોલીસ તથા ટ્રાફિક પોલીસની ટીમે દારૂ પીને વાહન ચલાવનાર, કાળા કાચવાળી ફોરવ્હીલ ગાડીઓ, ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરના વાહનો તેમજ શીટ બેલ્ટ વગર વાહનો ચલાવતા વાહન ચાલકોમાં જાગૃતતા માટે કાર્યવાહી કરી ભક્તિનગર સર્કલ, રાજપર ચોકડી દલવાડી સર્કલ, પંચાસર ચોકડી, વાવડી ચોકડી, વીસી ફાટક, ગેંડા સર્કલ, મહેન્દ્રનગર ચોકડી, ત્રાજપર ચોકડી સહિતના સ્થળે વાહન ચેકીંગ કરી કાળા કાચ વાળી ગાડીઓના 20 કેસો, ફેન્સી નંબર પ્લેટવાળા વાહનોના 50 કેસો, એમ.વી.એક્ટ 207 અંતર્ગત વાહનો ડીટેઇનના 14 કેસો, બી.એન.એસ. 281 મુજબનો 1 કેસ, HSRP/નંબર પ્લેટ વગર/ફેન્સી/તુટેલી નંબર પ્લેટના 50 કેસો, દારૂ પીને વાહન લઈને નિકળેલ ચાલકો સામે 2 કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી 63,400નો દંડ વસુલવામાં આવ્યો હતો. આ ડ્રાઇવમાં 14 હિસ્ટ્રીસીટરોને ચેક કરવામાં આવ્યા હતા.નહેરૂ ગેટ ચોક ખાતે યંગ ઈન્ડિયા ગ્રુપે ફ્લેશ મોબ યોજતા લોકો મન મૂકી ગરબે રમ્યામોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં બહેનો માટે નિઃશુલ્ક એન્ટ્રી રાખવામાં આવી છે. અહીં શરણાઈ અને ઢોલના તાલે પ્રાચીન રાસના રાઉન્ડ યોજાશે. સંકલ્પ નવરાત્રીમાં ભવ્ય આયોજન પૂર્વે તમામ શહેરીજનો માટે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારી દ્વારા નહેરૂ ગેટ ચોક ખાતે ફ્લેશ મોબ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ગરબે ઘૂમ્યા હતા. શરૂઆતમાં ખેલૈયાઓએ અહીં ઉપસ્થિત સૌ લોકોને પોતાના અવનવા ગરબા સ્ટેપ બતાવી મંત્રમુગ્ધ કર્યા હતા. બાદમાં આ ખેલૈયાઓનો ઉત્સાહ જોઈ બીજા અનેક લોકો પણ ગરબે ઘુમવા લાગ્યા હતા. અહીં ગરબા સાથે દેશભક્તિના ગીતો ઉપર મોટી સંખ્યામાં લોકોએ ગરબા રમીને આનંદ વ્યક્ત કર્યો હતો.મોરબીના સામાકાંઠે માઁ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન મોરબી જિલ્લા ભાજપ અગ્રણી જયરાજસિંહ જાડેજા દ્વારા મોરબીના સામાકાંઠે માઁ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 26 વર્ષથી તેઓ વિના મૂલ્યે રાસ-ગરબાનું આયોજન કરે છે. સાંઈ બાગ, ઉમા ટાઉનશીપ મેઈન ગેટ સામે યોજાતા આ નવરાત્રી મહોત્સવમાં રાસ-ગરબાની સ્પર્ધામાં ભાગ લેનાર ખેલૈયાઓને દરરોજ 25 જેટલા ઈનામો આપવામાં આવે છે, જેમાં પ્રિન્સેસ, પ્રિન્સ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ સ્ટાઈલ, જનરલ નોલેજ અને વેશભૂષા જેવી શ્રેણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સમગ્ર મોરબી જિલ્લામાં સૌથી વધુ 451 નાની બાળાઓને લાણીનું વિતરણ પણ કરવામાં આવે છે. સાથે જ માતાઓ અને બહેનોને ગરબા રમવા માટે અલગ ગ્રાઉન્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.