રિમાન્ડ દરમિયાન બાકી રહેલો મુદામાલ કબ્જે કરવા, આરોપીઓને કોણે આશરો આપ્યો, વધુ કોઈ લૂંટમાં સામેલ છે કે કેમ તેમજ તેમના ગુનાહિત ઇતિહાસની તપાસ થશે મોરબી : મોરબી તાલુકાના જૂની પીપળી અને નવી પીપળી રોડ ઉપર ફેક્ટરીએ નોકરી પુરી કરી ઘેર પરત જઈ રહેલા કેશિયરના બાઈક સાથે ફોર વ્હિલ અથડાવી અજાણ્યા ત્રણ શખ્સોએ રૂ.29લાખની લૂંટ ચલાવ્યાની ઘટનામા મોરબી એલસીબી તેમજ તાલુકા પોલીસ સહિતની ટીમોએ લૂંટ કરનાર સાત આરોપીઓને દબોચી લીધા હતા. જો કે એક આરોપી ફરાર છે. ત્યારે આ લૂંટની ઘટનાની વધુ કડીઓ મેળવવા માટે પોલીસે સાતેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ તમામના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. મોરબી નજીક આવેલ કેલેફેકસન ટેકનો પ્રા.લી. ફેકટરીમા કેશિયર તરીકે કામ કરતા નવી પીપળી ગામેં રહેતા ચંદ્રેશભાઇ સવજીભાઇ શીરવી પાસેથી રૂ.29 લાખની ચકચારી લૂંટ કેસમાં પોલીસે આરોપી મયુરસિંહ દિલીપભાઈ ડોડીયા (ઉવ.28 રહે. ચોટીલા થાન રોડ રુદ્ર ભૂમિ સોસાયટી જયેશભાઇના મકાનમાં), શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ (ઉ.વ.29 રહે. સરા રોડ રઘુનંદન સોસાયટી હળવદ), મહિપાલસિંહ અભેસંગ ગોહેલ (ઉ.વ.27 રહે. સુખપર હળવદ) ભગવાન ઉર્ફે ભગો કરસનભાઈ રબારી (ઉ.વ.30 રહે. હરીપર તાલુકો ધાંગધ્રા), રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપભાઈ લીબોલા (ઉ.વ.28, રહે. ગોરી ઘનશ્યામપુર તાલુકો હળવદ) દશરથ ઉર્ફે લાદેન જીલુભાઈ પરમાર (ઉ.વ.27 રહે. હરીપર તાલુકો ધાંગધ્રા) અને લૂંટની ટીપ આપનાર અર્જુનગીરી નારદગીરી ગોસાઈ (ઉ.વ.27 રહે. શિવ પાર્ક વેજીટેબલ રોડ ઉમા ટાઉનશીપ પાછળ મૂળ રહે. સોંડા ચુડા જિલ્લો સુરેન્દ્રનગર)ને રૂ.2 લાખ રૂપિયાની કાર, રૂ.4 લાખ રૂપિયાની કિંમતની બોલેરો કાર, રૂ.7 લાખની કિંમતની કિયા કાર અને રૂ.15 લાખ રૂપિયા રોકડા તેમજ રૂ.30500ની કિંમતના છ મોબાઈલ આમ કુલ મળીને કુલ રૂ.28,30,500 નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.આ લૂંટના ગુનામાં મનીષ સોલંકી (રહે. ચોટીલા થાન રોડ રુદ્ર ભૂમિ સોસાયટી વાળા ચોટીલા)ની સંડોવણી ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ વાળાએ જણાવ્યું હતું કે, લૂંટની ઘટનાના સાતેય આરોપીઓની વિધિવધ ધરપકડ બાદ આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સાતેય આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ દરમિયાન કુલ 29 લાખની લૂંટમાં 15 લાખ જ કબ્જે થયા હોય બાકીનો મુદામાલ કબ્જે કરવા, તેમજ આ લૂંટમાં અન્ય બીજા કોઈ સંડોવાયેલા છે કે કેમ ? લૂંટ કર્યા બાદ ક્યાં રોકાયા અને કોણે આશરો આપ્યો તેમજ અગાઉ આવી કોઈ લૂંટ કે ધાડ કરી હતી કે કેમ તે સહિતની બાબતે આકરી પૂછપરછ કરાશે. તેમ તેઓએ જણાવ્યું હતું.