જાગૃત યુવાને ખરાબ રસ્તાઓ મામલે હવે તંત્રને જવાબદારીનું ભાન કરાવવા લડત એક જ વિકલ્પ હોવાનું માનીને રેઢિયાળ તંત્ર સામે મોરચો માંડ્યો મોરબી : મોરબીમાં ભારે વરસાદને પગલે મોટાભાગના માર્ગો એટલી હદે ખરાબ થઈ ગયા છે કે દરેક માર્ગ પર ખાડારાજ જોવા મળે છે. મોટાભાગના માર્ગો પર ફૂટ-ફૂટથી પણ મસમોટા ખાડા પડી ગયા હોવાથી વાહન લઈને નીકળવું એટલે અકસ્માતને આમંત્રણ આપવા બરોબર છે. આમ છતાં તંત્ર કુંભકર્ણની ઉંઘમાંથી ઉઠતું ન હોવાથી જાગૃત યુવાને ખરાબ રસ્તાઓ મામલે હવે તંત્રને જવાબદારીનું ભાન કરાવવા લડત એક જ વિકલ્પ હોવાનું માનીને રેઢિયાળ તંત્ર સામે મોરચો માંડ્યો છે અને ખરાબ રસ્તાની હાલત ન સુધરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. મોરબી શહેર અને આસપાસના મોટાભાગના માર્ગોની હાલત બદથી બદતર બની ગઈ છે. આ વખતે ચોમાસુ ભરપૂર રહ્યું હોવાથી સતત વરસાદને પગલે માર્ગો એટલી હદે ખંડિત થઈ ગયા છે કે માર્ગમાંથી વાહન લઈને પસાર થવું એટલે અભિમન્યુના સાત કોઠા પાર કરવા જેટલું કઠીન છે. માર્ગો પર જ્યાં જુઓ ત્યાં બસ ખાડા ખાડા સિવાય કંઈ દેખાતું જ નથી. માર્ગોની આવી કપરી દુર્દશાથી વર્ષે દાહડે કરોડ ટેક્સ ભરતી સીરામીક નગરીની ઉંઘ હરામ થઈ ગઈ છે. હમણાંથી કોઈને કોઈ ખાડા માર્ગ પર વાહનો પલ્ટી કે ઉઘા પડી જવાના ગંભીર બનાવો બની રહ્યા છે એટલું જ નહીં ખરાબ માર્ગો લોકોના હાથ પગ ખોખરા કરી રહ્યા હોવા છતાં તંત્રની ઉંઘ ઉડતી નથી. તંત્રના પાપે ખખડધજ માર્ગો લોકોની આકરી કસોટી કરી રહ્યા છે. પણ હવે લોકોની ધીરજ ખૂટી ગઈ છે. સોશ્યલ મીડિયામાં તંત્ર સામે બળાપો ઠાલવતા લોકો હવે તંત્રની નીંભરતાના કારણે ખૂલીને સામે આવ્યા છે.જેમાં જગૃત યુવાન કિશન પટેલે ખરાબ રોડ મામલે તંત્ર સામે લડતનો શખનાદ ફૂંકી દીધો છે. જેમાં મોરબીની જોડતા પીપળી રોડ અને હળવદ રોડની અતિ ખરાબ હાલત હોય એ યુવાને મહેન્દ્ર ચોકડી પાસે ઉભા રહીને પોસ્ટર દર્શાવીને રોડ રસ્તાનું યોગ્ય રિપેરીગ ન થાય તો આગામી સમયમાં તંત્ર સામે અદોલન કરવાની ચીમકી આપી છે. કરોડોના ટેક્સ ભરતા મોરબીવાસીઓને સારા રસ્તાની સુવિધા ન આપીને તંત્રએ આંદોલન કરવા મજબુર કર્યા છે એ તંત્ર માટે ઘણી જ શરમજનક બાબત કહેવાય.