ચાર દિવસ પહેલા સમજૂતી આપ્યા છતાં સુધારો ન દેખાતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી: નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓનાં લાયસન્સ રદ કરી દુકાનો સીલ કરવાની ચીમકીમોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા સંકલ્પ અને સ્વચ્છતા જ સેવા અભિયાન અંતર્ગત થોડા દિવસો અગાઉ સંબંધિત વિસ્તારમાં ફરીને વેપારીઓને 4 પ્રકારની ડસ્ટબિન રાખવા, કચરો યોગ્ય જગ્યાએ નાખવા, ગંદકી ન ફેલાવવા અને હાઈજીનિક પરિસ્થિતિ જાળવવા અંગે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી.પરંતુ 4 દિવસ બાદ ફરી મુલાકાત લેતા વેપારીઓમાં કોઈ જ સુધારો જોવા મળ્યો ન હતો. જેને લઈને આજે તંત્ર દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનાર વિક્રેતાઓને અંદાજીત 2,000 રૂપિયાનો દંડ ફટકારીને માત્ર 1 કલાકની અંદર કુલ રૂપિયા 42,000 થી 45,000 સુધીનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન કેટલાક વેપારીઓ દ્વારા ફાળવેલી જગ્યા કરતાં વધુ જગ્યાનો દુરુપયોગ કરી સરકારી રોડ-રસ્તા ઉપર ટેબલો ગોઠવીને ખાણીપીણીની ચીજવસ્તુઓનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું હતું, જેને અટકાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી સમયમાં આ ભૂલનું પુનરાવર્તન થશે તો ખૂબ જ કડક પગલાં લેવામાં આવશે, જેમાં વેપારીઓના લાયસન્સ રદ કરવામાં આવશે અને દુકાનો પણ સીલ કરવામાં આવશે.તંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યના હિતમાં અને શહેરને સ્વચ્છ તથા રળિયામણું બનાવવા માટે કચરાનું યોગ્ય સેગ્રીગેશન (અલગીકરણ) કરવા તથા મહાનગરપાલિકાની કચરાની ગાડી આવે ત્યારે જ તેમાં કચરો નાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipality #CleanlinessDrive #StrictAction #GujaratNews